1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાન્યુઆરીથી કોમર્સ અને આર્ટ્સના કોર્સ ઓનલાઇન પણ ભણાવાશે

ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાન્યુઆરીથી કોમર્સ અને આર્ટ્સના કોર્સ ઓનલાઇન પણ ભણાવાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં હવે આર્ટ્સ અને કોમર્સના ઓનલાઈન અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે. તેના લીધે દેશ-વિદેશના કોઈપણ સ્થલોએ રહેતા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકશે. યુનિવર્સિટી દ્વારા પ્રથમવાર ઓનલાઇન એજ્યુકેશનનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. આગામી જાન્યુઆરી 2023થી બીએ, એમએ, બીકોમ, એમકોમના કોર્સ ઓનલાઇન પણ ભણાવવામાં આવશે. આ કોર્સનો વિધિવત્ પ્રારંભ જાન્યુઆરી 2023થી થશે. આ કોર્સમાં પ્રવેશ માટેના નિયમો સહિત પ્રવેશ સંબંધિત બાબતોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઘણા સમયથી ઓનલાઈન અભ્યાસક્રમો શરૂ કરવાની વિચારણા ચાલી રહી હતી. હવે એનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને તે માટે જરૂરી વ્યવસ્થા તંત્ર પણ ગોઠવવામાં આવી રહ્યું છે. સૌ પ્રથમ આર્ટ્સ અને કોમર્સના અભ્યાસક્રમો ઓનલાઈન શરૂ કરાશે. જેમાં પ્રવેશ, પ્રશિક્ષણ, પરીક્ષા, પરિણામ તેમ જ કોન્વોકેશન સહિતની તમામ પ્રકારની બાબતો પણ ઓનલાઇન રહેશે. ન્યૂ એજ્યુકેશન પોલિસી (એનઈપી) મુજબ વર્તમાન સમયની માગને અનુરૂપ હવે ઓફલાઇન ડિગ્રી કોર્સની સાથે સાથે ઓનલાઇન ડિગ્રી કોર્સનું પ્રશિક્ષણ અપાઈ રહ્યું છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને યુનિવર્સિટીમાં વર્તમાન સમયની માગને અનુરૂપ યુજી, પીજી લેવલના ઓનલાઇન કોર્સ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આગામી દિવસોમાં ઓનલાઇન કોર્સ ભણવા માગતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વૈશ્વિક સ્તરની માળખાકીય સવલતો તેમ જ સંશોધન અને નવાચારની ઉપલબ્ધિ સાથે હવે ઓનલાઇન ડિગ્રીથી ગુજરાત યુનિવર્સિટી ખરા અર્થમાં ગ્લોબલ યુનિવર્સિટી બની રહેશે. વિદ્યાર્થીઓ  વિશ્વના કોઈ પણ ખૂણેથી, કોઈ પણ સ્થળેથી પ્રવેશ મેળવી શકશે. પ્રવેશની લઘુતમ લાયકાત પ્રવેશની સંખ્યા વિષયની માગને અનુરૂપ રહેશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code