ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વધુ મતદાન માટે રાજકીય નેતાઓએ પણ પ્રયાસો કરવા પડ્યા
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકાની સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર થઇ રહેલા મતદાનમાં સવારથી જ અનેક બેઠકો પર મતદાન આછું થયું હતું ત્યારબાદ દર વખતની જેમ બપોરે મતદાનની ટકાવારીમાં વધારો થયો હતો. અને બપોર બાદ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા ઉમટી પડ્યા હતા. મતદાન વધારવા માટે ગાંધીનગરથી આદેશ છૂટ્યા હતા. તમામ રાજકીય પક્ષોના નેતાઓ પણ મતદાન વધારવા માટે ઉમટી પડ્યા હતા. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન 54 ટકા જેટલું નોંધાયું હતું. જેમાં સૌથી વધુ તાપીમાં મતદાન64.3 ટકા, ડાંગમાં 58.5 ટકા,નવસારી જિલ્લામાં 55.1 ટકા, મોરબીમાં 53.7 ટકા,નિઝરમાં 66.4 ટકા,કપરાડામાં 64.4 ટકા મતદાન નોંધાયું હતું. આમ આદિવાસી ગણાતા વિસ્તારોમાં મતદાન વધુ નોંધાયું હતું. જોકે બપોર બાદ સૌરાષ્ટ્રના તમામ મતદાન મથકો પર લાઈનો જોવા મળી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં બપોરના 12 વાગ્યા સુધીમાં મતદાન ધીમુ રહ્યુ હતુ. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત, નર્મદા, તાપી, ભરુચ સહિતના વિસ્તારોમાં મતદાનની ટકાવારી 51 ટકા જેટલી રહી હતી.જો કે સુરત શહેરમાં સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાઈનો જોવા મળી હતી. ખાસ કરીને સુરતના શહેરી વિસ્તારોમાં રસપ્રદ ત્રિકોણીય જંગ હોવાથી મતદાન ભારે થાય તે માટે તમામ ઉમેદવારો પ્રયત્ન કરી રહ્યા છે. રાજ્યની કેટલીક બેઠકો પર સરકારના હાઈપ્રોફાઇલ સહિતના 11 મંત્રીઓ અને ‘આપ’ તથા કોંગ્રેસના પ્રાદેશિક નેતાઓનું ભવિષ્ય દાવ પર લાગી ગયું છે અને તેમાં સૌરાષ્ટ્રમાં બપોરના 12 વાગ્યા સુધીમાં મતદાન ધીમું રહ્યું હતું જોકે બપોર બાદ મોટી સંખ્યામાં મતદારો ઉમટ્યા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુરતના શહેરમાં જે રીતે મતદાન થઇ રહ્યું છે તે જોતા અહીં રસપ્રદ જંગ સર્જાશે તેવા સંકેત છે. સૌરાષ્ટ્રમાં બપોર બાદ મતદાનની ટકાવારી વધી શકે છે અને તેના કારણે ગત વખતે જે સરેરાશ 65 થી 69% સુધીનું ભારે મતદાન થયું તેનો રેકોર્ડ તૂટશે કે કેમ તેના પર સૌની નજર છે. સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોમાં ગત ચૂંટણીમાં જે રીતે જબરા અપસેટ સર્જાયા હતા તે જોતા આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના જીવ તાળવે છે. કુલ 452 ઉમેદવારો આ ક્ષેત્રમાં હાલ મેદાનમાં છે અને તેમાં હવે સાંજે 5 વાગ્યા સુધીમાં કેટલુ મતદાન થશે તેના પર સૌની નજર છે.