
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું સારૂએવું ઉત્પાદ થયું છે. જિલ્લાના તમામ માર્કેટ યાર્ડમાં બમ્પર આવક થઈ રહી છે. જેમાં લખતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ડાંગરની ખરીદી છેલ્લા એકાદ સપ્તાહથી શરૂ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની જણસ વહેંચવા આવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં અંદાજે 5,000 મણ કરતા વધારે ડાંગરની ખરીદી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ લખતર તાલુકામાં નર્મદાની કેનાલને લીધે સિંચાઈની વ્યવસ્થા ઊબી કરાતા ખેત ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. આ વિસ્તારમાં કપાસનું પણ સારૂએવું ઉત્પાદ થાય છે. આ વખતે કપાસના સારા ભાવ મળવાને લીધે ખેડુતોને રાહત થઈ છે. ઉપરાંત આ વખતે ડાંગરનું પણ વાવેતર સારા પ્રમાણમાં થયું હતું. અને ડાંગરની ખરીદી શરૂ કરતા ખેડુતો ડાંગર વેચવા માટે લખતરના માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે. લખતરમાં રેલવે સ્ટેશન રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ આવેલું છે. યાર્ડમાં ચેરમેન હિતેન્દ્રસિંહ ઝાલા દ્વારા કપાસની ખુલ્લી હરરાજી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ટેકાના ભાવે તંત્ર દ્વારા ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો સાથે રહી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેને લઇને તંત્ર દ્વારા 22-11-22 થી ડાંગર ની ખરીદી શરૂ કરવામાં આવી હતી. પરંતુ અમુક કર્મચારીઓએ બહાના બતાવી ત્રણ દિવસ સુધી ડાંગરની ખરીદી ન કરી હતી. બાદમાં APMC ચેરમેને ખેડૂતો સાથે રહી આક્રમકતા બતાવતા બાદમાં અધિકારીઓ સાથે બેઠક કરી સમાધાન કરી ખરીદી શરૂ કરી હતી. ત્યારે હવે ડાંગરની ખરીદી જોરશોરથી શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 3000 કટ્ટા એટલે કે લગભગ 5250 મણ ડાંગરની ખરીદી તંત્ર દ્વારા કરવામાં આવી છે. (file photo)