ગુજરાતમાં શિક્ષકોનો બદલી કેમ્પ સ્થગિત કરાતા હવે 2600 શિક્ષકોની ભરતીમાં વિલંબ થશે
ગાંધીનગરઃ રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા હાલ શિક્ષકોની આંતરિત જિલ્લા બદલી માટેની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. આ કામગીરી સ્થગિત કરવામાં આવતાં શિક્ષકોની નવી ભરતી પ્રક્રિયામાં પણ વિલંબ થશે. કારણ કે, શિક્ષકોની આંતરિક ટ્રાન્સફર કર્યા બાદ બાકી રહેલી જગ્યાઓ પર નવા શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવતી હોય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની જુદી જુદી સ્કૂલોમાં ધો.1થી 8માં ખાલી પડેલી જગ્યાઓ પર પહેલાં બદલી કેમ્પ અને ત્યારબાદ ખાલી પડેલી 2600 જગ્યાઓ પર શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવાનું નક્કી કર્યું હતું. હાલમાં આ બન્ને કામગીરી એકસાથે ચાલુ છે. નિયમ પ્રમાણે પહેલાં શિક્ષકોએ જે તે જગ્યાએ ટ્રાન્સફર માંગી હોય તે પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ખાલી પડેલી જગ્યાઓ પર નવા શિક્ષકોની નિમણૂક કરવાની હોય છે. શિક્ષણ વિભાગ દ્વારા બદલી કેમ્પની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ કામગીરીમાં 35 હજારથી વધારે શિક્ષકોએ આંતરિક બદલી માટે અરજી કરી હતી. આ ઉમેદવારો પૈકી વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવ્યા બાદ શિક્ષકોને ટ્રાન્સફરના ઓર્ડર આપવામાં આવે તે પહેલાં કોર્ટમાં 260થી વધુ પિટિશનો થતાં બદલી કેમ્પ સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. આમ, હાલમાં શિક્ષકોની આંતરિક બદલીની કામગીરી અટકી પડી છે. બીજીબાજુ શિક્ષકોની ભરતી માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કર્યા બાદ વાંધા અરજીની પ્રક્રિયા પણ હાલ પૂરી કરી દેવામાં આવી છે. હવે ફાઇનલ મેરિટ યાદી જાહેર કરીને મેરિટના આધારે નિમણૂક કરવામાં આવશે. નિયમ પ્રમાણે નવા શિક્ષકોની ભરતી થાય તે શિક્ષકોની આંતરિક બદલીની કામગીરી જે પડતર છે તે પૂરી થાય તે જરૂરી છે. આમ, આંતરિક બદલીની પ્રક્રિયામાં જેટલો વિલંબ થાય તેટલો વિલંબ હવે નવી શિક્ષકોની ભરતીમાં પણ થશે તેવી સ્થિતિ ઊભી થઇ છે. (ફાઈલ ફોટો)
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

