નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) દ્વારા આયોજિત સાયક્લેથોનમાં ભાગ લીધો હતો. “પૃથ્વી બચાવો, જીવન બચાવો” થીમ સાથેની સાયકલ રેલી નિર્માણ ભવનથી શરૂ થઈ અને કર્તવ્ય પથથી પસાર થઈ. સાયકલ ચલાવવાના કેટલાક ઉત્સાહીઓ આ શિયાળાની વહેલી સવારની સિલ્કેથોનનો ભાગ હતા.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન દ્વારા પોસ્ટ કરાયેલી ટ્વીટમાં, 5 વર્ષીય સાયકલ ઉત્સાહી રેલીના ભાગ રૂપે સાયકલ ચલાવતો જોવા મળે છે. ડો.માંડવિયાએ સાયક્લેથોનનું નેતૃત્વ કર્યું ત્યારે, ડો. મનસુખ માંડવિયા કે જેઓ સાયકલ ચલાવવાના તેમના ઉત્સાહ માટે “ગ્રીન એમપી” તરીકે પણ જાણીતા છે, તેમણે લોકોને આરોગ્ય અને ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે સાયકલનો ઉપયોગ કરવા વિનંતી કરી. શિયાળાની કડકડતી સવારે જાગૃતિ રેલીમાં જોડાયેલા તમામ સહભાગીઓના ઉત્સાહની તેમણે પ્રશંસા કરી હતી.
“સાયકલ પર્યાવરણની સમસ્યાઓને ઉકેલવામાં નોંધપાત્ર રીતે મદદ કરી શકે છે કારણ કે તે પ્રદૂષણ વિનાનું વાહન છે. ઘણા વિકસિત દેશો મોટા પાયે સાયકલનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે ભારતમાં તે ગરીબ-માણસના વાહન તરીકે ઓળખાય છે, ત્યારે અમારો ઉદ્દેશ્ય તેને શ્રીમંત વ્યક્તિના વાહનમાં પરિવર્તિત કરવાનો હોવો જોઈએ. તેને “ફેશન”માંથી “પેશન” બનાવવાની જરૂર છે. “ચાલો આપણે ગ્રીન અર્થ અને હેલ્થ અર્થ માટે સાયકલને આપણા જીવનનો એક ભાગ બનાવીએ”,એવી તેમણે વિનંતી કરી.
સાયકલિંગ અને શારીરિક પ્રવૃત્તિઓના મહત્વ પર પ્રકાશ પાડતા ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે “આપણે આપણા જીવનમાં શારીરિક તેમજ માનસિક લાભો માટે વ્યાયામ કેળવવાની જરૂર છે. શારીરિક પ્રવૃતિઓ ઘણા બિનચેપી અને જીવનશૈલીના રોગોને દૂર રાખવા માટે જાણીતી છે.” તેમણે NBEMS ની તેમની “ગો-ગ્રીન” ડ્રાઇવ અને આરોગ્ય પ્રમોશન અને પર્યાવરણ સુરક્ષા તરફ સક્રિય ભૂમિકા માટે પ્રશંસા કરી.
ડૉ. માંડવિયાની સાથે ડૉ. અભિજાત શેઠ પ્રમુખ NBEMS અને NBEMSના અન્ય ગવર્નિંગ બૉડીના સભ્યો હતા. NBEMS ના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ સાયક્લેથોનમાં ભાગ લીધો હતો.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

