પાલનપુરઃ જિલ્લાના થરાદના આંતરોલ માઇનોર કેનાલ-1 માં મોટું ગાબડું પડતા આજુબાજુના ખેતરમાં જીરુ રાયડા અને એરંડા જેવા તૈયાર પાકોને નુકશાન થયુ હતું. ખેડુતોએ એવો આક્ષેપ કર્યો હતો કે, આંતરોલ માઈનોલ કેનાલ-1ની અધૂરી સાફસફાઈ અને કેનાલનું બાંધકામ હલકી ગુણવત્તાનું હોવાને કારણે વારંવાર ગાબડાં પડી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં થરાદ સહિતના વિસ્તારોને હાલ રવિ સીઝનમાં કેનાલ દ્વારા સિંચાઈનું પાણી આપવામાં આવે છે. ત્યારે માઈનોર કેનાલો તૂટી જવાના બનાવો પણ બની રહ્યા છે. સિંચાઈ વિભાગ દ્વારા કેનાલો યોગ્યરીતે સાફ કરાવવામાં આવતી નથી. એટલે આગળ પાણી ન જતાં કેનાલની દીવાલો પર પાણીનું પ્રેશર સર્જાય છે. બીજી બાજુ કેનાલોની દીવાલો અત્યંત નબળી હોવાથી પાણીના થોડા પ્રેશરે દીવાલોમાં મોટા ગાબડાં પડે છે. જે આજુબાજુના ખેતરોમાં ફરી વળતાં ખેતી પાક ધોવાઈ જાય છે. આ વિસ્તારના ખેડુતો માટે કેનાલમાં ગાબડાં પડવાની સમસ્યા હવે કાયમી બની ગઈ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબળા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં થરાદની આંતરોલ માઇનોર 1 કેનાલમાં ગાબડું પડતા કેનાલની બાજુમાં આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું. જીરુ રાયડા તેમજ એરંડા જેવા તૈયાર પાકોમાં કેનાલનું પાણી ઘૂસી જતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો હતો. જોકે ખેડૂતોનો આક્ષેપ છે કે. અધુરી સાફ-સફાઈ અને બાંધકામની હલકી ગુણવત્તાના કારણે વારંવાર ગાબડા પડતા હોય છે આજુબાજુના વાવેતર કરેલા જમીનમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવવા વારો આવ્યો છે જોકે ગાબડું પડ્યા બાદ પણ સતત પાણી ચાલુ રહેતા ખેતરોમાં પાણીજ પાણી જોવા મળ્યું હતું.