1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આર્ય સમાજ કોઈ ધર્મ, સંગઠન કે સંપ્રદાય નથી, એક વિચારધારા છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
આર્ય સમાજ કોઈ ધર્મ, સંગઠન કે સંપ્રદાય નથી, એક વિચારધારા છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

આર્ય સમાજ કોઈ ધર્મ, સંગઠન કે સંપ્રદાય નથી, એક વિચારધારા છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના લુડવા ગામે આર્યસમાજ લુડવાના 75 મા સ્થાપના વર્ષ નિમિત્તે અમૃત મહોત્સવનો આજે પ્રારંભ કરાવ્યો હતો. સ્વામી દયાનંદ સરસ્વતિની જન્મ શતાબ્દિના અવસરે કચ્છના લુડવા ખાતે પધારેલા રાજ્યપાલએ લુડવા આર્ય સમાજના નૂતન ભવન માટે ભૂમિપૂજન કર્યું હતું. તેમની ઉપસ્થિતિમાં ઋષિ સંસ્કૃતિના પ્રતિકરૂપ કૃષિ સંમેલન યોજાયું હતું.

રાજ્યપાલએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આર્ય સમાજ, લુડવા અનેક સંઘર્ષોનો સામનો કરીને આજે વટવૃક્ષ બની ગયો છે. આર્ય સમાજ, લુડવાના 75 વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવ નિમિત્તે અભિનંદન આપતાં રાજ્યપાલએ કહ્યું કે, આર્ય સમાજની સ્થાપનાથી લઈને સમાજ ઉદ્ધાર માટે બલિદાન આપનારા તમામ મહાપુરુષોને હું વંદન કરું છું.

રાજ્યપાલએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારત દેશ હાલમાં  આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે લુડવા આર્ય સમાજ પણ પોતાના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. તેઓએ ઉમેર્યું હતું કે, આર્થિક ઉપાર્જન માટે ગુજરાતમાંથી અનેક લોકોએ વિદેશમાં જઈને વસવાટ કર્યો પણ પોતાની માતૃભૂમિને ક્યારેય વિસારી નથી. આર્ય સમાજ લુડવાના નવા સંકુલ ભવન માટે સહયોગ આપનારા વેલાણી પરિવાર સહિત માતૃભૂમિના વિકાસ માટે હંમેશાં યોગદાન આપનારા મહાનુભાવોને રાજ્યપાલએ ધન્યવાદ આપ્યા હતા.

સ્વામી દયાનંદ સરસ્વતી લિખિત ક્રાંતિકારી સત્યાર્થ પ્રકાશ ગ્રંથમાંથી પ્રેરણા લઈને આર્ય સમાજની વિચારધારાને આગળ વધારવા રાજ્યપાલએ અનુરોધ કર્યો હતો. બાળકોને આર્ય સમાજના મૂલ્યવાન સંસ્કાર આપીને જીવન ઘડતર કરવા સૌ વાલીઓને સૂચન કર્યું હતું. રાજ્યપાલએ કહ્યું કે, ધનનો ઉપયોગ ધર્મના કાર્યોમાં કરીને સુખનું પુણ્ય મેળવવું જોઈએ. સ્વામી દયાનંદજીએ જીવનમાં સત્ય શું છે? અસત્ય શું છે? તે સમજાવીને જીવન જીવવા માટેના આદર્શો ચિંધ્યા છે તે માર્ગે ચાલવું જોઈએ. વેદો જ ધર્મનો માર્ગ છે અને તે ઈશ્વરીય વાણી છે. ભગવાન પૂર્ણ છે જેથી વેદો પણ પૂર્ણ છે. આથી વેદો મુજબ આચરણ કરવું જોઈએ એમ રાજ્યપાલએ કહ્યું હતું.

રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, ભારતને આઝાદી અપાવવા માટે આર્ય સમાજમાંથી પણ અનેક યુવાનોએ પોતાના જીવનનું બલિદાન આપી દીધું હતું. સામાજિક કુરિવાજો દૂર કરવાનું કામ સ્વામી દયાનંદ સરસ્વતીએ કર્યું હતું. દીકરીઓના શિક્ષણની ક્રાંતિકારી શરૂઆતથી માંડીને દુનિયાભરમાં અનેક સમાજ સુધારણાના કાર્યો આર્ય સમાજે કર્યા છે, અને કરી રહ્યો છે. લોકોને વેદોના મહાત્મયનો ફરીથી પરિચય કરાવવાનું કામ આર્ય સમાજની દેન છે. આર્ય સમાજ કોઈ ધર્મ, સંગઠન કે સંપ્રદાય નથી તે એક વિચારધારા છે.

આ પ્રસંગે આચાર્ય ચંદ્રગુપ્તજી, પ્રો.ડૉ. કમલેશકુમાર શાસ્ત્રીજી, આર્ય સમાજ લુડવાના પ્રમુખ  જયંતિલાલ પોકાર, આર્ય સમાજ, ટંકારાના મહામંત્રી માવજીભાઈ પડસુંબિયા,  જયંતિભાઈ વેલાણી, વડીલ નાનજીબાપા, સહિત બૃહદ લુડવા આર્ય સમાજના મહાનુભાવો સહિત ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code