
ગાંધીનગરઃ આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિમાંથી પ્રેરણા લઇ તેની ઉજજવળ પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગ સ્વરૂપે પ્રતિવર્ષ તારીખ 9મી ઓગષ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ ઊજવવામાં આવે છે. ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભવ્યાતી ભવ્ય રીતે કરવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરાશે. જેમાં મંત્રી કુબેર ડિંડોર અને કુંવરજી હળપતિ પણ ઉપસ્થિત રહેશે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.
પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જળ, જંગલ, જમીન અને પર્યાવરણ સાથે જોડાયેલી આદિવાસી સમાજની ભવ્ય પ્રાચીન સંસ્કૃતિના વારસાને ટકાવી રાખવા માટે આ દિવસનું અનોખું મહત્વ છે, ત્યારે રાજ્યના વનબંધુ પંથક એવા 27 તાલુકાઓમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ આ દિવસ સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજાશે, જે અંતર્ગત રાજય સરકારના મંત્રીઓ, ધારાસભ્યઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. એટલું જ નહીં, આદિવાસી સમાજના વિવિધ સંગઠનો, આદિવાસી સાંસદઓ, ધારાસભ્યઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવશે.
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અંબાજીથી લઇને ઉમરગામ સુધીના વિસ્તારમાં 90 લાખના વિશાળ આદિવાસી સમાજની અનોખી સંસ્કૃતિ છે. આ સમાજ સુધી રાજ્ય સરકારના વિકાસ કાર્યો પહોચ્યા છે, ત્યારે રાજય સરકારે પણ આ દિવસને સમગ્ર ગુજરાતમાં ભવ્ય રીતે ઉજવવાનો નિર્ણય કર્યો છે.