
ગાંધીનગરઃ શહેરમાં મોટા પ્રમાણમાં એકત્ર થતાં કચરાના નિકાલ માટેનો પ્રશ્ન મ્યુનિ. માટે વિકટ બની રહ્યો છે. કારણે કે કચરા માટેની લેન્ડફીલ સાઈટ ક્યા બનાવવી તે અઘરો પ્રશ્ન બની ગયો છે. અગાઉ અનેક જગ્યા નક્કી થયા બાદ સ્થાનિકોના વિરોધના પગલે લેન્ડફીલ સાઇટ નક્કી કરી શકાઈ નહતી. હવે જીએમસીએ સાદરા ખાતે લેન્ડફીલ સાઇટ બનાવવા માટે મક્કમ રીતે આગળ વધી રહી છે. ત્યારે સાદરાના ગ્રામજનોએ લેન્ડફીલ સાઈટનો વિરોધ કર્યો છે. સોમવારે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે. તેમ છતાં કોઈ નિવેડો નહીં આવે તો ભારત સંકલ્પ યાત્રા રોકી ચુંટણીનો બહિષ્કાર કરવાનો ગ્રામજનોએ નિર્ધાર કર્યો છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોદરા ગામ નજીક એકત્ર થતાં કચરા માટે લેન્ડફીલ સાઈટ બનાવવાના નિર્ણય સામે ગ્રામજનોએ લડતનાં મંડાણ કરી દીધા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઘન કચરાના નિકાલ અર્થે ઘણા વખતથી લેન્ડફીલ સાઈટ શોધવામાં આવી રહી હતી. અગાઉ પેથાપુરમાં લેન્ડફીલ સાઈટ બનાવવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. જો કે સ્થાનિક રાજકીય આગેવાનો સહિતના ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કરતાં મડાગાંઠ સર્જાઈ હતી. એજ રીતે કોલવડામાં લેન્ડફીલ સાઈટ બનાવવાનું નક્કી કરાયું હતુ. જો કે અહીં પણ રાજકીય દબાણ – ગ્રામજનોએ વિરોધ કરતાં મ્યુનિ.એ રાજકીય દબાણ સામે હથિયાર હેઠા મૂકી દેવાનું મુનાસિબ માની ઉક્ત બંને સ્થળોએ લેન્ડ ફીલ સાઈટનો પ્રોજેક્ટ પડતો મૂકી દેવો પડ્યો હતો.
હવે સાદરા ગામ ખાતે લેન્ડફીલ બનાવવા માટે નિર્ણય લઈ લીધો હતો. જે સંદર્ભે કલેકટર દ્વારા પણ અહીં 50 એકર જમીન ફાળવી દેવામાં આવી છે. જેનાં પગલે ગ્રામજનોએ મ્યુનિ. કમિશ્નર, કલેકટર તેમજ મેયરને આવેદન આપીને લેન્ડફીલ સાઈટનો વિરોધ કરી રજૂઆત કરાઈ હતી. તેમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા લેન્ડ ફીલ બનાવવા માટેની કવાયત શરૂ કરી દેવાઈ છે. જેનાં પગલે સાદરાનાં ગ્રામજનોએ લડતનાં મંડાણ કરી દીધા છે.તાજેતરમાં સાદરા ગામમાં લેન્ડ ફીલ સાઈટનાં વિરોધને લઈને રાત્રિ સભા યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી.આ સભામાં ગ્રામજનોએ સામૂહિક રીતે એક થઈને આંદોલન કરવાનું નક્કી કરી રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી. જે અન્વયે રવિવારે બપોર સુધી વેપાર ધંધા બંધ રાખવામાં આવ્યા છે. સોમવારે મોટી ગ્રામજનો મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં માટે પણ જશે. તેમ છતાં લેન્ડ ફીલ સાઈટ અંગે કોઈ નિવેડો નહીં આવે તો આંદોલનને ઉગ્ર બનાવી ભારત સંકલ્પ યાત્રાને પણ રોકી દેવાનો ગ્રામજનોએ હુંકાર કર્યો છે.