
ઉત્તરપ્રદેશમાં હવે સગીર સંતાનો વાહન હંકારશે તો માતા-પિતાને જવુ પડશે જેલ
લખનૌઃ ઉત્તર પ્રદેશમાં, હવે 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરો માટે 2 વ્હીલર અને 3 વ્હીલર વાહનો ચલાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો પરિવારના કોઈપણ સભ્ય તેમના સગીર બાળકોને વાહન ચલાવવા માટે આપશે તો તેમને 3 વર્ષની જેલની સજા અને રૂ. 25,000ના દંડની સજા થશે. આ આદેશ ઉત્તર પ્રદેશ ટ્રાન્સપોર્ટ ટ્રાફિક ઓફિસ દ્વારા માધ્યમિક શિક્ષણ નિયામકને મોકલવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો બાદ આ આદેશ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો પરિવારનો કોઈ સભ્ય તેમના 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સ્કૂટર, બાઇક અથવા કાર ચલાવવાની મંજૂરી નહીં આપે તો તેના માટે તેઓ પોતે જ જવાબદાર રહેશે. જો કોઈ સગીર વાહન ચલાવતા પકડાશે તો તેના પરિવારના સભ્યોને દોષિત ગણવામાં આવશે. આવા વાલીઓને 3 વર્ષ સુધીની જેલ અને 25,000 રૂપિયાનો દંડ થઈ શકે છે અને તેમનું વાહનનું લાઇસન્સ પણ 1 વર્ષ સુધી રદ્દ કરવામાં આવશે. એટલું જ નહીં જો કોઈ સગીર વાહન ચલાવતા પકડાય છે, તો આવા બાળકોનું ડ્રાઈવિંગ લાયસન્સ 25 વર્ષની ઉંમર પછી જ આપવામાં આવશે.
હાઈસ્કૂલ અને ઈન્ટરમીડિયેટના વિદ્યાર્થીઓ મોટાભાગે સ્કૂટર, બાઇક અને અન્ય વાહનો પર શાળાએ જાય છે, અને બેદરકારીથી વાહન ચલાવવાને કારણે તેઓ અકસ્માતનો ભોગ પણ બને છે. આ અકસ્માતોમાં તેઓ રસ્તા પર ચાલતા નિર્દોષ રાહદારીઓને પણ ઈજા પહોંચાડે છે. માર્ગ અકસ્માતના વધતા જતા બનાવનો ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ પરિવહન વિભાગ દ્વારા આ કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.