અમદાવાદમાં આંબાવાડીમાં કન્સ્ટ્રકશન સાઈટ પર ભેખડ ધસી પડતા એક શ્રમિકનું મોત, 4ને બચાવાયા
અમદાવાદ: શહેરના આંબાવાડી વિસ્તારમાં પોલિટેકનિક પાસે આવેલા જુના જીએસટી ભવનની પાછળ શ્યામ કામેશ્વર હાઇટ્સ નામની કન્સ્ટ્રક્શન સાઈટનું કામ ચાલતુ હતુ ત્યારે ભેખડ ધસી પડતા પાંચ શ્રમિકો દટાયા હતા. જેમાં 13 વર્ષના અલ્કેશ નામના સગીરનું દટાઈ જતા મોત નિપજ્યુ હતુ. ફાયર બ્રિગેડ દ્વારા ચાર શ્રમિકોને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, શહેરના આંબાવાડી વિસ્તારમાં પોલિટેકનિક નજીક જુના જીએસટી ભવન પાછળ આવેલી શ્યામ કામેશ્વર હાઈટ્સ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા પાંચ શ્રમિકો દટાયા હતા. બેઝમેન્ટના કામ દરમિયાન નિર્માણધીન સ્લેબ ધસી પડ્યો હતો. જેમાં છત્તીસગઢના 5 શ્રમિક દટાયા હતા. આ ઘટનામાં 4 શ્રમિકોને તાત્કાલિક બહાર કાઢી લેવાયા હતા. પરંતુ દટાયેલા પાંચમા શ્રમિકને વધુ ઈજાઓ થઈ હોવાથી સારવાર માટે સોલા સિવિલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનુ મોત થયું હતું.
ફાયર બ્રિગેડ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના આંબાવાડી વિસ્તારમાં જૂની જીએસટી ભવનની સામે કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડવાની ઘટના બની હતી. ત્યારબાદ સાંજે 7:30 વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમને મેસેજ મળતા નવરંગપુરા ફાયર સ્ટેશન અને જમાલપુર ફાયર સ્ટેશનની 4 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ પહોંચે તેના પહેલા ચાર વ્યક્તિઓ બહાર નીકળી ગયા હતા. જ્યારે એક વ્યક્તિ દટાયેલી હાલતમાં હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વ્યક્તિને શોધી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ દટાયેલા વ્યક્તિને હોસ્પિટલ લઈ જતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃતકનું નામ અલ્કેશ પ્રતાપભાઈ ડોડીયા (ઉં. વ. આશરે 13) હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બની ત્યારે લેબર કોન્ટ્રાક્ટર ત્યાં હાજર હતો. ફાયર બ્રિગેડની ટીમને રેસ્ક્યુની કામગીરી માટે પોતાની લાઈટ વાપરવી પડી હતી.