 
                                    ભારતમાં ટ્રાફિક નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. હવે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે ભારે દંડ, જેલની સજા અને સામાજીક સેવા જેવી સજાઓ નક્કી કરવામાં આવી છે. સરકારનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ છે કે ટ્રાફિક નિયમોની અવગણના હવે મોંઘી પડશે. જો કોઈ વ્યક્તિ દારૂ પીને વાહન ચલાવતો પકડાય છે, તો પહેલી વાર ગુનો કરવા બદલ 10,000 રૂપિયાનો દંડ અને/અથવા છ મહિનાની જેલ થઈ શકે છે. વાહન ચાલક એ જ ભૂલનું પુનરાવર્તન કરશે, તો 15,000 રૂપિયાનો દંડ અને બે વર્ષની જેલની સજા થશે. પહેલાના નિયમોમાં આ દંડ ફક્ત 1,000 અને 1,500 રૂપિયા હતો. જેના પરથી સ્પષ્ટ થાય છે કે હવે આ ગુનાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવશે.
મોબાઈલ ફોનના કારણે માર્ગ અકસ્માતો ઝડપથી વધી રહ્યા છે. આને રોકવા માટે, સરકારે વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા બદલ દંડ 500 રૂપિયાથી વધારીને 5,000 રૂપિયા કર્યો છે. એ સ્પષ્ટ છે કે આ બેદરકારી હવે સહન કરવામાં આવશે નહીં. જો કોઈ ટુ-વ્હીલર ચાલક હેલ્મેટ વગર પકડાય છે, તો તેને હવે 1,000 રૂપિયાનો દંડ ભરવો પડશે, જે પહેલાના 100 રૂપિયા કરતા 10 ગણો વધારે છે. આ ઉપરાંત, તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી શકાય છે. તેવી જ રીતે, કારમાં બેઠેલા મુસાફરોને પણ હવે સીટ બેલ્ટ ન પહેરવા બદલ 1,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.
જો કોઈ વ્યક્તિ રેડ સિગ્નલ તોડે છે, તો તેને 5,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. તેમજ હવે ઓવરલોડિંગ માટે 20,000 રૂપિયા સુધીનો દંડ લાદવામાં આવશે, જે પહેલા ફક્ત 2,000 રૂપિયા હતો. જો કોઈ વ્યક્તિ ટુ-વ્હીલર પર ત્રણ મુસાફરો સાથે મુસાફરી કરે છે, તો તેને 1,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. રસ્તા પર ખતરનાક ડ્રાઇવિંગ અથવા રેસિંગ કરવા પર 5,000 રૂપિયા સુધીનો દંડ થશે. આ ઉપરાંત, જો કોઈ એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી સેવા વાહનોનો રસ્તો રોકે છે, તો તેને 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.
જો કોઈ સગીર વાહન ચલાવતા પકડાય તો તેના વાલીઓને 25,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. આ ઉપરાંત, ત્રણ વર્ષની જેલ, વાહન નોંધણી રદ કરવા અને 25 વર્ષની ઉંમર સુધી સગીરોને ડ્રાઇવિંગ લાઇસન્સ ન આપવા જેવી કડક સજાઓ પણ નક્કી કરવામાં આવી છે.
જો કોઈ વ્યક્તિ ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવે છે, તો તેને હવે 5,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. વીમા વિના વાહન ચલાવવા પર 2,000 રૂપિયાનો દંડ થશે અને જો ફરીથી પકડાશે તો 4,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. પ્રદૂષણ પ્રમાણપત્ર (PUC પ્રમાણપત્ર) ન હોવાના કિસ્સામાં 10,000 રૂપિયાનો ભારે દંડ, જેલની સજા અથવા સમુદાય સેવાની જોગવાઈ છે. આ નવા ટ્રાફિક નિયમો માર્ગ સલામતી વધારવા માટે લાગુ કરવામાં આવ્યા છે અને સરકારે સ્પષ્ટ કર્યું છે કે બેદરકારી અને નિયમોની અવગણના હવે મોંઘી પડશે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

