
ટેસ્ટમાં ઈંગ્લેન્ડને પરાજ્ય આપનારી ટીમ ઈન્ડિયાના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોઈન્ટ વધ્યાં
ભારતીય ક્રિકેટ ટીમે એજબેસ્ટન ખાતે રમાયેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 336 રનના મોટા માર્જિનથી હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 ચક્રમાં પોતાની પહેલી જીત નોંધાવી છે. વિદેશી ધરતી પર ભારતની સૌથી મોટી જીત (રનના આધારે) છે.
• વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27નું નવીનતમ પોઈન્ટ ટેબલ
ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા ટોપ 2 માં છે. ઓસ્ટ્રેલિયા 2 માંથી 2 મેચ જીતી ચૂક્યું છે, તે 24 પોઈન્ટ સાથે નંબર વન પર છે. શ્રીલંકા બીજા નંબર પર છે, જેણે 1 મેચ જીતી છે અને એક મેચ ડ્રો કરી છે. શ્રીલંકાના 16 પોઈન્ટ છે. આ જીત પછી ટીમ ઈન્ડિયા ત્રીજા નંબર પર આવી ગઈ છે. ગિલ અને ટીમે 1 મેચ જીતી છે અને 1 હારનો સામનો કરવો પડ્યો છે. આ ટેસ્ટ પહેલા, ઇંગ્લેન્ડ ટોપ 2 માં હતું, પરંતુ હવે તે ચોથા નંબર પર સરકી ગયું છે. ઇંગ્લેન્ડે પણ 2 ટેસ્ટમાંથી 1 જીતી છે અને 1 હારનો સામનો કરવો પડ્યો છે. ભારત અને ઇંગ્લેન્ડના 12-12 પોઈન્ટ છે. બાંગ્લાદેશ પાંચમા ક્રમે છે, જેણે 2 ટેસ્ટમાંથી 1 હારી છે અને 1 ડ્રો કરી છે. ટીમના 4 પોઈન્ટ છે. વેસ્ટ ઈન્ડિઝે તેની બંને ટેસ્ટ હારી છે, તેથી તે હાલમાં છઠ્ઠા ક્રમે છે.
એજબેસ્ટન ખાતે રમાયેલી ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની બીજી ટેસ્ટની વાત કરીએ તો, ટોસ હાર્યા બાદ ભારતે પ્રથમ બેટિંગ કરી હતી. શુભમન ગિલે 269 રનની શાનદાર ઇનિંગ રમી, જેના આધારે ટીમ ઇન્ડિયાએ 587 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. આ પછી, આકાશ દીપ અને મોહમ્મદ સિરાજની બોલિંગનો જાદુ જોવા મળ્યો. સિરાજે 6 અને આકાશે 4 વિકેટ લીધી, ઇંગ્લેન્ડ 407 રનમાં ઓલઆઈટ થઈ ગઈ હતી. ભારતે બીજી ઇનિંગ 527 રન પર ડિકલેર કરી અને ઇંગ્લેન્ડને જીતવા માટે 608 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ચોથા દિવસના અંત સુધીમાં, ઇંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવી દીધી હતી. વરસાદને કારણે પાંચમા દિવસની રમત મોડી શરૂ થઈ, પરંતુ જ્યારે મેચ ફરી શરૂ થઈ, ત્યારે આકાશ દીપ ફરી એકવાર ધમાકેદાર બોલિંગ કરી રહ્યો હતો. તેણે બીજી ઇનિંગમાં 6 વિકેટ લઈને મેચમાં 10 વિકેટ પૂર્ણ કરી. ઇંગ્લેન્ડનો બીજો ઇનિંગ 271 રનમાં સમેટાઈ ગયો અને ભારતે 336 રનથી મેચ જીતી લીધી હતી.