ભારતીય સેનાનો મોટો નિર્ણય: જવાનો સોશિયલ મીડિયાથી રહેશે દૂર
નવી દિલ્હી, 25 ડિસેમ્બર 2025 : Indian Army ડિજિટલ યુગમાં સુરક્ષા અને ગુપ્ત માહિતીની જાળવણી માટે ભારતીય સેનાએ પોતાની સોશિયલ મીડિયા નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. નવા આદેશ મુજબ, હવે સેનાના જવાનો અને અધિકારીઓ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી શકશે, પરંતુ તે માત્ર ‘મોનિટરિંગ’ (જોવા) પૂરતું જ સીમિત રહેશે. કોઈ પણ ફોટો-વીડિયો પોસ્ટ કરવા, લાઈક કરવા કે ટિપ્પણી (Comment) કરવા પર હજુ પણ કડક પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે.
- 23 ડિસેમ્બરથી નવા નિયમો લાગુ
સેનાના મિલિટરી ઇન્ટેલિજન્સ વિંગ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, આ નવો નિયમ 23 ડિસેમ્બર 2025થી તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયો છે. આ ફેરફાર પાછળનો મુખ્ય હેતુ ફેક ન્યૂઝ અને ભ્રામક કન્ટેન્ટ પર નજર રાખવાનો છે. જો કોઈ જવાન સોશિયલ મીડિયા પર શંકાસ્પદ કે રાષ્ટ્રવિરોધી પોસ્ટ જુએ, તો તેણે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરવાની રહેશે.
- શું કરી શકાશે અને શું નહીં?
સેનાએ સોશિયલ મીડિયાના ઉપયોગને ‘પેસિવ પાર્ટિસિપેશન’ (નિષ્ક્રિય ભાગીદારી) તરીકે વર્ણવ્યું છે. Instagram, X, YouTube, Quora જેવા પ્લેટફોર્મ્સ પર માત્ર માહિતી જોઈ શકાશે. કોઈ પણ પ્રકારનું યુઝર કન્ટેન્ટ અપલોડ કરવાની મનાઈ છે. WhatsApp & Telegram સામાન્ય અને બિન-ગોપણીય વાતચીત માટે ઉપયોગ કરી શકાશે. ટેલિગ્રામ પર માત્ર પરિચિત વ્યક્તિઓ સાથે જ સંપર્ક રાખી શકાશે. LinkedIn માત્ર રિઝ્યુમે અપલોડ કરવા કે નોકરીની માહિતી માટે ઉપયોગ થઈ શકશે, પરંતુ તે માટે પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે.
ભૂતકાળમાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં વિદેશી ગુપ્તચર એજન્સીઓએ ફેક પ્રોફાઇલ અને ‘હની ટ્રેપ’ દ્વારા ભારતીય જવાનો પાસેથી સંવેદનશીલ માહિતી કઢાવવાનો પ્રયાસ કર્યો છે. આ જોખમને ટાળવા માટે સેનાએ અગાઉ 2020માં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિત 89 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે, દેખરેખના હેતુથી આ નિયમોમાં થોડી છૂટછાટ સાથે નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
સેનાએ જવાનોને કેટલીક જોખમી ડિજિટલ પ્રવૃત્તિઓથી દૂર રહેવા ચેતવણી આપી છે, જેમાં પાયરેટેડ સોફ્ટવેર અને ફ્રી મૂવી સાઇટ્સ, ટૉરેન્ટ અને અજાણ્યા ચેટ રૂમ્સ અને VPN સોફ્ટવેર અને વેબ પ્રોક્સીનો સમાવેશ થાય છે. તેમજ ક્લાઉડ સ્ટોરેજ સાઇટ્સનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષપદેથી જેઠા ભરવાડે આપ્યુ રાજીનામું


