1. Home
  2. revoinews
  3. બગદાણા ઘટના અંગે કોંગ્રેસના આક્ષેપ ભાજપે ફગાવ્યાઃ જુઓ વીડિયો
બગદાણા ઘટના અંગે કોંગ્રેસના આક્ષેપ ભાજપે ફગાવ્યાઃ જુઓ વીડિયો

બગદાણા ઘટના અંગે કોંગ્રેસના આક્ષેપ ભાજપે ફગાવ્યાઃ જુઓ વીડિયો

0
Social Share

ભાવનગર, 2 જાન્યુઆરી, 2026 – Bagdana incident મહુવાના બગદાણામાં યુવાન નવનીત બાલધિયા પર થયેલા હિચકારા હુમલાની ઘટનાના પડઘા હવે સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. આ મામલે રાજકીય ગરમાવો વધ્યો છે અને કોંગ્રેસના આક્ષેપનો ભાજપના મુખ્ય પ્રવક્તાએ જવાબ આપ્યો છે.

બીજી તરફ પૂર્વ મંત્રીઓ અને કોળી સમાજના અગ્રણીઓ પીડિતના ખબર-અંતર પૂછવા મહુવાની હનુમંત હોસ્પિટલે દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં નેતાઓ અને સમર્થકોની મોટી ભીડ જામતા અને સ્થિતિ તણાવપૂર્ણ બનતા પોલીસે કોઈ અઘટિત બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દીધો છે. એક તરફ ભાજપના નેતાઓ હુમલાખોરો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

શું કહ્યું ભાજપે?

પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ દ્વારા બગદાણામાં થયેલ ઘટના અંગે સોશિયલ મીડિયા એપ ‘X‘ પર મુકેલ પોસ્ટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, કોંગ્રેસની રાજનીતિ માત્ર સોશિયલ મીડિયા એપ પર દરેક મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પાયાવિહોણી આક્ષેપબાજી કરવા સુધી જ સીમિત થઈ ગઈ છે. વાસ્તવિક રીતે કોંગ્રેસનું જમીન સાથેનું જોડાણ છૂટી ગયું છે, માટે જનતા કોંગ્રેસને સતત જાકારો આપે છે.

ડૉ. અનિલભાઈ પટેલે કહ્યું કે, બગદાણામાં થયેલ ઘટના એ બે વ્યક્તિઓ વચ્ચેનો મામલો છે જે અંગે તંત્ર દ્વારા ફરિયાદના આધારે એફ.આઈ.આર નોંધી આગળની કાર્યવાહી કરાઇ રહી છે. બે વ્યક્તિ વચ્ચેના મુદ્દે પણ કોંગ્રેસ રાજનીતિ સાથે જોડી રહી છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકાર ગુનેગારોને બક્ષવામાં નહિ, કાયદો વ્યવસ્થાના સંદર્ભમાં ઝીરો ટોલરન્સ નીતિ સાથે ગુનેગારને કાયદા આધારિત સજા મળે તેમાં માને છે.  ગુનેગાર કોઈપણ હોય, ભાજપા સરકાર ‘ઓનલી પ્રોસિક્યુશન, નો પોલિટિકલ પ્રોટેક્શન’ની નીતિથી ચાલે છે.

શું કહ્યું કોંગ્રેસે?

સામે પક્ષે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં અત્યારે ડબલ એન્જિનની સરકાર નહીં પરંતુ ગુંડાઓનું રાજ ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ છે. બગદાણામાં સરપંચ પરિવારના યુવાન પર ગુંડાઓ ધોકા-પાઈપથી હુમલો કરી હાથ-પગ તોડી નાખે છે અને પોલીસ માત્ર દેખાવ પૂરતી કામગીરી કરી રહી છે. ચાવડાએ સવાલ ઉઠાવ્યો હતો કે આ હુમલો કરાવનારા મુખ્ય સૂત્રધારો કોણ છે તેની તપાસ કેમ કરવામાં આવતી નથી?

શું હતી ઘટના?

સમગ્ર વિગત મુજબ, ૨૯ ડિસેમ્બરની મોડી રાતે બગદાણાના મોણપર ગામ નજીક આઠ શખ્સોએ નવનીતભાઈ પર ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં પીડિતે લોકકલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ પર ગંભીર આરોપો લગાવ્યા છે. જોકે, પોલીસના જણાવ્યા અનુસાર દારૂની બાતમી આપી હોવાની શંકા રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. હાલમાં આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ રાજકીય હસ્તક્ષેપને કારણે આ કેસ હવે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચોઃ સમય પ્રમાણે પરિવર્તનનો સિદ્ધાંત આ શતાયુ પુસ્તક પ્રકાશન સંસ્થાએ બરાબર અપનાવ્યો છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code