કચ્છમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, કેન્દ્રબિંદુ પાકિસ્તાનમાં
ગાંધીનગર, 17 જાન્યુઆરી 2026: કચ્છ જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 4.1 નોંધાઈ હતી. રાત્રિના સમયે આવેલા આ આંચકાને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને અનેક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, રાહતની વાત એ છે કે આ આંચકાને કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના ઇન્ચાર્જ ડિરેક્ટર ડો. સંતોષ કુમારે જણાવ્યું હતું કે, આ ભૂકંપનું એપિસેન્ટર (કેન્દ્રબિંદુ) પાકિસ્તાન વિસ્તારમાં નોંધાયું છે. પ્રાથમિક અનુમાન મુજબ, કચ્છની એક્ટિવ ફોલ્ટ લાઈનમાં થયેલી હલચલને કારણે આ આંચકો અનુભવાયો હોવાનું માનવામાં આવે છે.
આ ઉપરાંત, અરબી સમુદ્રમાં પણ હળવો ભૂકંપ નોંધાયો હતો, જે પશ્ચિમ કિનારાની ફોલ્ટ લાઈન સાથે સંકળાયેલો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ગત 13 તારીખે અરબી સમુદ્રમાં જે ભૂકંપનો આંચકો આવ્યો હતો તે સામાન્ય પ્રકારનો હતો. સમુદ્રના તળિયે થતી ભૌગોલિક પ્રક્રિયાઓને કારણે આવા આંચકા આવતા હોય છે, જેનાથી ગભરાવાની જરૂર નથી.
બીજી તરફ, રાજકોટ જિલ્લાના ઉપલેટા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આવતા ભૂકંપના આંચકાઓમાં ઘટાડો નોંધાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે નિષ્ણાતોની એક ટીમ ઉપલેટા પહોંચી હતી. આ ટીમે ગ્રામજનોને ભૂકંપની વૈજ્ઞાનિક પ્રકૃતિ અને કારણો વિશે સમજ આપી હતી. તેમજ ભૂકંપથી ડરવાને બદલે સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.


