એક યુગનો અંત: બેડમિન્ટન ક્વીન સાઈના નેહવાલે સ્પર્ધાત્મક રમતને કહ્યું અલવિદા
નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: ભારતીય બેડમિન્ટનને નવી ઊંચાઈઓ પર લઈ જનાર અને દેશને ઓલિમ્પિક મેડલ અપાવનાર સ્ટાર શટલર સાઈના નેહવાલે સ્પર્ધાત્મક રમતમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિની પુષ્ટિ કરી છે. લંડન ઓલિમ્પિક 2012ની કાંસ્ય પદક વિજેતા સાઈનાએ જણાવ્યું કે, તેમનું શરીર હવે એલીટ સ્પોર્ટ્સની અઘરી માંગ અને ફિટનેસના સ્તર સાથે તાલમેલ સાધવામાં અસમર્થ છે.
સાઈના નેહવાલે છેલ્લે 2023માં સિંગાપોર ઓપનમાં પોતાની આખરી સ્પર્ધાત્મક મેચ રમી હતી. હાલમાં જ એક પોડકાસ્ટ દરમિયાન તેમણે પોતાના નિર્ણય વિશે ખૂલીને વાત કરી હતી. સાઈનાએ કહ્યું, “મેં બે વર્ષ પહેલા જ રમવાનું છોડી દીધું હતું. મને લાગ્યું કે મેં મારી શરતો પર રમવાનું શરૂ કર્યું હતું અને હું મારી શરતો પર જ વિદાય લઈશ, તેથી અલગથી જાહેરાત કરવાની જરૂર નહોતી.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “જો તમે વધુ રમવા માટે સક્ષમ નથી, તો તેમાં કોઈ વાંધો નથી.”
સાઈના નેહવાલના શાનદાર કરિયરમાં ઈજાઓ સૌથી મોટો અવરોધ બની હતી. રિયો 2016 ઓલિમ્પિક દરમિયાન ઘૂંટણની ગંભીર ઈજાએ તેમના ફોર્મને અસર કરી હતી. જોકે, મજબૂત મનોબળ સાથે તેમણે વાપસી કરી અને 2017 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ તથા 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પરંતુ ઘૂંટણની સમસ્યા સતત ચાલુ રહી.
2024માં સાઈનાએ ખુલાસો કર્યો હતો કે, તેમને ઘૂંટણમાં ‘આર્થરાઈટિસ’ (સંધિવા) છે અને તેમની કાર્ટિલેજ (ગાદી) ખરાબ રીતે ઘસાઈ ગઈ છે. આ શારીરિક સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉચ્ચ પ્રદર્શન કરવું હવે લગભગ અશક્ય બની ગયું છે.
સાઈના નેહવાલ માત્ર એક ખેલાડી નથી, પરંતુ તેમણે ભારતીય બેડમિન્ટનની વ્યાખ્યા બદલી નાખી છે. સાઈના ઓલિમ્પિકમાં બેડમિન્ટન મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા હતા. તેમણે લંડન ઓલિમ્પિક (2012) માં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. એપ્રિલ 2015માં તેઓ વિશ્વની નંબર 1 મહિલા બેડમિન્ટન ખેલાડી બન્યા હતા. આ રેન્ક હાંસલ કરનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા હતા.
સાઈનાએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીત્યા છે – 2015માં સિલ્વર અને 2017માં બ્રોન્ઝ મેડલ હતા. તેમણે 2010 દિલ્હી કોમનવેલ્થ ગેમ્સ અને 2018 ગોલ્ડ કોસ્ટ ગેમ્સમાં મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. ઈન્ડોનેશિયા ઓપન, હોંગકોંગ ઓપન અને ઓસ્ટ્રેલિયા ઓપન જેવી અનેક પ્રતિષ્ઠિત BWF સુપર સિરીઝ ટૂર્નામેન્ટ્સ તેમના નામે છે. 2008માં વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતીને તેમણે ભારતનું નામ રોશન કર્યું હતું.
ભારત સરકારે તેમની રમત પ્રત્યેના સમર્પણને બિરદાવતા તેમને દેશના સર્વોચ્ચ ખેલ સન્માનોથી નવાજ્યા છે. વર્ષ 2009માં આ મહાન ખેલાડીને ખેલ રત્ન, વર્ષ 2010માં પદ્મ શ્રી અને 2016થી પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.
આ પણ વાંચોઃ ડીસા ખાતે 25મી જાન્યુઆરીએ યોજાનારા રબારી સમાજના મહાસેલનમાં બંધારણ નક્કી કરાશે


