બાંગ્લાદેશી ક્રિકેટરે જ પોતાના દેશમાં સુરક્ષાને લઈને વ્યક્ત કરી ચિંતા
ઢાકા, 21 જાન્યુઆરી 2026: આગામી T20 વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશની ટીમ ભારત આવશે કે નહીં, તે અંગેના સસ્પેન્સ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટન લિટ્ટન દાસના એક નિવેદને રમતજગતમાં ખળભળાટ મચાવી દીધો છે. એક તરફ ICC દ્વારા અંતિમ નિર્ણય લેવાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે, તો બીજી તરફ લિટ્ટન દાસે પોતાના જ દેશમાં સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઉઠાવ્યા છે.
એક પત્રકાર પરિષદમાં જ્યારે લિટ્ટન દાસને વર્લ્ડ કપ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે અત્યંત ચોંકાવનારો જવાબ આપ્યો હતો. લિટ્ટન દાસે કહ્યું કે, “આ મુદ્દે મોઢું ખોલવું મારા માટે સુરક્ષિત નથી.” તેણે વધુમાં ઉમેર્યું કે, “આખી બાંગ્લાદેશની ટીમ અનિશ્ચિતતાના માહોલમાં છે. અમને એ પણ ખબર નથી કે અમારે કયા દેશમાં જવાનું છે કે કઈ ટીમ સામે રમવાનું છે. જો અમને અગાઉથી જાણ હોત તો તૈયારી કરવામાં ઘણી મદદ મળી હોત.”
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્રિકેટ અને રાજદ્વારી સંબંધો અત્યારે સૌથી નીચલા સ્તરે છે. આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (BCB) IPL રમી રહેલા ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને અધવચ્ચેથી પરત બોલાવી લીધો હતો. ત્યારબાદ બાંગ્લાદેશે સુરક્ષાના કારણો આગળ ધરીને પોતાની ટીમને ભારત મોકલવાનો ઇનકાર કરી દીધો છે. આ પાછળનું એક મુખ્ય કારણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓ અને તેના કારણે ભારત સાથે વણસેલા રાજદ્વારી સંબંધો પણ હોવાનું મનાય છે.
લિટ્ટન દાસે પોતાની જ બોર્ડની નીતિઓ પર કટાક્ષ કરતા જણાવ્યું કે, બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) માં સતત આટલી મેચો રમવી એ વર્લ્ડ કપની તૈયારી માટે આદર્શ સ્થિતિ નથી. તેણે સ્વીકાર્યું કે ઘણીવાર પરિસ્થિતિ મુજબ ન ગમતી વસ્તુઓ પણ સ્વીકારવી પડે છે.
આ પણ વાંચોઃ AMC દ્વારા ફાયર અધિકારીની ભરતીની પરીક્ષામાં છબરડો, પરીક્ષા રદ કરવી પડી


