ધાર ભોજશાળા વિવાદ: વસંત પંચમીએ પૂજા અને નમાઝ બંને થશે, સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2026: મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળામાં આવતીકાલે એટલે કે 23 જાન્યુઆરીએ વસંત પંચમીની પૂજા અને શુક્રવારની (જુમ્મા) નમાઝને લઈને સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે, બંને પક્ષોની ધાર્મિક આસ્થા જળવાય તે માટે પરિસરમાં અલગ-અલગ જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવે જેથી કોઈ ઘર્ષણની સ્થિતિ ઊભી ન થાય.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચે નિર્દેશ કર્યો હતો કે, વસંત પંચમીની પૂજા અને જુમ્માની નમાઝ માટે પરિસરમાં અલગ સ્થળ નક્કી કરવા. બંને સમુદાયના લોકોના આવવા-જવા માટેના રસ્તા પણ અલગ રાખવા. તેમજ મુસ્લિમ પક્ષે નમાઝીઓની અંદાજિત સંખ્યા જિલ્લા મેજિસ્ટ્રેટને જણાવવી પડશે, જેથી વહીવટી તંત્ર પાસ જારી કરી શકે.
‘હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસ’ નામની સંસ્થાએ વસંત પંચમીના દિવસે નમાઝ રોકવાની માંગ કરતી અરજી કરી હતી. હિન્દુ પક્ષની દલીલ હતી કે, આ દિવસે સરસ્વતી પૂજા સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ચાલે છે. બીજી તરફ, મુસ્લિમ પક્ષે દલીલ કરી હતી કે, શુક્રવારની નમાઝનો સમય બપોરે 1 થી 3 વાગ્યાનો હોય છે, જે નિશ્ચિત છે અને તેને બદલી શકાય તેમ નથી. કોર્ટે કહ્યું, “આ વર્ષે બસંત પંચમી શુક્રવારે જ હોવાથી વહીવટી તંત્રએ ખાસ તકેદારી રાખવી પડશે.”
સુપ્રીમ કોર્ટે મસ્જિદ પક્ષ દ્વારા સર્વેને પડકારતી અરજીનો નિકાલ કરતા મામલો ફરીથી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ પાસે મોકલી આપ્યો છે. હવે ભોજશાળાના સર્વે રિપોર્ટના આધારે આગળની સુનાવણી હાઈકોર્ટમાં શરૂ થશે. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને એકબીજા પ્રત્યે સન્માન જાળવવા અને વહીવટી તંત્રને સહકાર આપવા અપીલ કરી છે.
આ પણ વાંચોઃ છત્તીસગઢઃ આયર્ન ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 7 શ્રમિકો ભડથું


