અજિત પવાર વિમાન દુર્ઘટના: પુણે પોલીસે નોંધ્યો એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ
પુણે, 29 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધનનું કારણ બનેલી વિમાન દુર્ઘટના મામલે પુણે ગ્રામીણ પોલીસે બારામતી તાલુકા પોલીસ સ્ટેશનમાં એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) દાખલ કર્યો છે. આ ભયાનક અકસ્માત પાછળના કારણો જાણવા માટે હાલ તપાસ તેજ કરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) અને એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ની ટીમો અત્યારે ઘટનાસ્થળે પુરાવા એકત્ર કરી રહી છે. આ ADR હવે મહારાષ્ટ્ર ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) ને સોંપવામાં આવશે, જે AAIB ના રિપોર્ટના આધારે વધુ તપાસ હાથ ધરશે. અકસ્માત સાથે જોડાયેલા તમામ પાસાઓની ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે.
VSR વેન્ચર્સ દ્વારા સંચાલિત લિયરજેટ 45 વિમાનમાં અજિત પવાર સાથે અન્ય લોકો પણ સવાર હતા. આ અકસ્માતમાં વિદિત જાદવ અને પિંકી માલી નામના સભ્યોના પણ મોત થયા છે. પાયલટ-ઇન-કમાન્ડ સુમિત કપૂર અને સેકન્ડ-ઇન-કમાન્ડ શાંભવી પાઠક પણ આ વિમાનમાં હાજર હતા. મહારાષ્ટ્ર સરકારે આ દુઃખદ ઘટનાને પગલે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે, જે દરમિયાન તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે.
આ પણ વાંચોઃ ગણતંત્ર દિવસ પરેડમાં ભારતીય નૌસેના, મહારાષ્ટ્રનો દબદબો, જનમતમાં ગુજરાતની ઝાંખી વિજેતા


