ભારત વિશ્વ માટે ‘વિશ્વસનીય ડિજિટલ સેતુ’ બનાવી રહ્યું છે: જ્યોતિરાદિત્ય સિંધિયા
બાર્સેલોના, 4, માર્ચ 2026: સ્પેનના બાર્સેલોનામાં આયોજિત પ્રતિષ્ઠિત ‘મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2026’ (MWC 2026) માં ભારતની મજબૂત હાજરી જોવા મળી રહી છે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ અહીં ‘ઇન્ડિયા પેવેલિયન’નું ઉદઘાટન કરતા ગર્વભેર જણાવ્યું હતું કે, ભારત હવે માત્ર પોતાના 140 કરોડ નાગરિકો માટે જ નેટવર્ક ઊભું નથી કરી રહ્યું, પરંતુ સમગ્ર વિશ્વ માટે એક મજબૂત અને વિશ્વસનીય ડિજિટલ સેતુનું નિર્માણ કરી રહ્યું .
ઉદઘાટન સમારોહમાં સંબોધન કરતા શ્રી સિંધિયાએ જણાવ્યું હતું કે, ઇન્ડિયા પેવેલિયનમાં ભારતીય નવપ્રવર્તકો (Innovators) ની આટલી મોટી અને મજબૂત ઉપસ્થિતિ એ બાબતની સાબિતી છે કે ભારત સુરક્ષિત નેટવર્ક બનાવવાની દિશામાં અગ્રેસર છે. તેમણે ઉમેર્યું કે, ભારત ટેલિકોમ ક્ષેત્રે આત્મનિર્ભર બનીને હવે નિકાસ (Export) ના ક્ષેત્રમાં પણ વિશ્વ કક્ષાએ વિસ્તરણ કરી રહ્યું છે.
સંચાર મંત્રીએ ભારતના ભાવિ રોડમેપ અંગે વાત કરતા જણાવ્યું હતું કે આપણી પ્રતિબદ્ધતા નીચે મુજબના મુખ્ય સ્તંભો પર ટકેલી છે:
સુરક્ષિત નેટવર્ક: ડેટા સુરક્ષા અને સાયબર સુરક્ષા સાથેનું મજબૂત માળખુ.
AI ટેકનોલોજી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ.
વિશ્વસનીય ઇકોસિસ્ટમ: વૈશ્વિક સ્તરે ભરોસો પાત્ર હોય તેવું ડિજિટલ વાતાવરણ પૂરું પાડવું.
ટેલિકોમ એક્સપોર્ટ: ભારતમાં નિર્મિત ટેકનોલોજી અને ઉપકરણોની વિશ્વભરમાં નિકાસ.
“ભારત હવે માત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરનાર દેશ નથી રહ્યો, પરંતુ ટેકનોલોજી પ્રદાન કરનાર દેશ બની ગયો છે. અમારું લક્ષ્ય એક એવી ડિજિટલ સૃષ્ટિ બનાવવાનું છે જે સુરક્ષિત હોય અને સમગ્ર વિશ્વના કનેક્ટિવિટીના સપનાને સાકાર કરે.


