જામનગર, 14 જુન, 2026 : Teenager dies after drowning in swimming pool of water park શહેર નજીક આવેલા એક જાણીતા વોટર રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા 14 વર્ષના કિશોરનું મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રવિવારની રજાના માહોલ વચ્ચે બનેલી આ ઘટનાએ અન્ય પરિવારોને પણ સ્તબ્ધ કરી દીધા છે.
આ બનાવની વિગત એવી છે કે, જામનગરના શરુ સેકશન રોડ વિસ્તારમાં રહેતો 14 વર્ષીય આરવ સોમકર પોતાના પરિવાર સાથે વીકેન્ડની મજા માણવા માટે બાલાચડી રોડ પર આવેલા પ્રખ્યાત ‘વેલકમ વોટર રિસોર્ટ’ ખાતે ગયો હતો. પરિવારના તમામ સભ્યો સ્વિમિંગ પૂલમાં નાહવાની મજા માણી રહ્યા હતા, ત્યારે અકસ્માતે આરવ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આસપાસના લોકો અને પરિવારજનો કંઈ સમજે તે પહેલાં જ આરવ પાણીમાં ડૂબી ગયો હતો. તેને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. કિશોરના મોતના સમાચાર મળતા જ પરિવારમાં કરુણ કલ્પાંત મચી ગયો છે.
આ ઘટનાને પગલે સ્થાનિકો અને મુલાકાતીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રિસોર્ટના સ્વિમિંગ પૂલ પર પૂરતા પ્રમાણમાં લાઈફ ગાર્ડ કે સુરક્ષાના સાધનો હાજર હતા કે નહીં, તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં રિસોર્ટ પ્રશાસનની કોઈ બેદરકારી છે કે કેમ, તે દિશામાં પણ ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.


