પાલનપુર, 14 જુન, 2026 : 5 vehicles collide on Palanpur-Abu highway રાજ્યના નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ પાલનપુર-આબુ હાઇવે પર આવેલા બાલારામ બ્રિજ પર 5 વાહનો વચ્ચે સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં દાંતાના ઇન્દિરા નગર વિસ્તારમાં મોડી રાત્રે એક કાર વીજ થાંભલા સાથે અથડાઈને ત્રણ પલટી ખાઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓનો ચમત્કારિક બચાવ થયો હતો.
પ્રથમ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, પાલનપુર-આબુ રોડ પર બાલારામ બ્રિજ પરથી પસાર થઈ રહેલા વાહનો કોઈ અગમ્ય કારણોસર એકબીજા સાથે ધડાકાભેર ભટકાયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક ઈકો કાર, એકથી વધુ ટ્રક સહિતના અન્ય પાંચથી વધુ વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતને પગલે ચીસાચીસ થઈ ગઈ હતી અને સ્થાનિકો તેમજ પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં એર્ટિગા કાર અને આઇસર ટ્રક સહિતના વાહનોને ભારે નુકસાન થયું હતું. આ ઘટનામાં વાહનોનો કચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસ અને એનએચઆઈટી વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તેમણે બચાવ કામગીરી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. અકસ્માતના કારણે નેશનલ હાઇવે પર પાંચથી છ કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
બીજા અકસ્માતના બનાવમાં દાંતાના ઇન્દિરા નગર વિસ્તારમાં મોડી રાત્રે એક કાર વીજ થાંભલા સાથે અથડાઈને ત્રણ પલટી ખાઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓનો ચમત્કારિક બચાવ થયો હતો. ખેરોજથી દાંતા તરફ આવી રહેલી આ કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે કાર રોડ કિનારે આવેલા વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ અને ત્રણ પલટી ખાઈને પલટી ગઈ હતી.અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક કારમાં ફસાયેલા બે લોકોને બહાર કાઢ્યા હતા.


