1. Home
  2. ગુજરાતી
  3. બાંગ્લાદેશી નેતા હાદીની હત્યાના આરોપીઓ પશ્ચિમ બંગાળથી ઝડપાયા
બાંગ્લાદેશી નેતા હાદીની હત્યાના આરોપીઓ પશ્ચિમ બંગાળથી ઝડપાયા

બાંગ્લાદેશી નેતા હાદીની હત્યાના આરોપીઓ પશ્ચિમ બંગાળથી ઝડપાયા

0
Social Share

કોલકાતા, 9 માર્ચ 2026: પશ્ચિમ બંગાળ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ એક મોટી સફળતા મેળવતા બાંગ્લાદેશના પ્રખ્યાત વિદ્યાર્થી નેતા અને ‘ઈન્કિલાબ મંચ’ના પ્રવક્તા ઉસ્માન હાદીની હત્યાના બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા બંને આરોપીઓ બાંગ્લાદેશી નાગરિક છે અને તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરીને છુપાયા હતા.

STF એ બાતમીના આધારે ઉત્તર 24 પરગણા જિલ્લાના સરહદી શહેર બનગાંવમાં દરોડા પાડીને આ કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં રાહુલ ઉર્ફે ફૈઝલ કરીમ મસુદ (37, રહે. પાટુઆખાલી) અને આલમગીર હુસૈન (34, રહે. ઢાકા)નો સમાવેશ થાય છે. 7 અને 8 માર્ચની મધ્યરાત્રિએ આ બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા. રવિવારે કોર્ટે તેમને પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા છે.

તપાસમાં ખુલાસો થયો છે કે આ બંને ગુનેગારો બાંગ્લાદેશમાં હત્યા અને ખંડણી જેવા ગંભીર ગુનાઓ આચરીને મેઘાલય સરહદ મારફતે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસ્યા હતા. તેઓ અલગ-અલગ સ્થળોએ છુપાઈને અંતે બનગાંવ પહોંચ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, તેઓ તક મળતા જ ફરીથી બાંગ્લાદેશ ભાગી જવાની ફિરાકમાં હતા, પરંતુ તે પહેલા જ STFએ તેમને દબોચી લીધા હતા.

ઉસ્માન હાદી બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શનોનો મોટો ચહેરો હતા. તે ‘ઈન્કિલાબ મંચ’ના પ્રવક્તા હતા અને હસીના વિરોધી આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. 12 ડિસેમ્બર 2025ના રોજ ઢાકા ખાતે તેના પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને સારવાર માટે સિંગાપોર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં 18 ડિસેમ્બરના રોજ તેમનું મૃત્યુ થયું હતું.

બાંગ્લાદેશમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં પણ તે ઉમેદવારી નોંધાવવાનો હતો, પરંતુ ચૂંટણી પહેલા જ તેમની હત્યા કરી દેવામાં આવી હતી, જેના કારણે સમગ્ર બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી હતી. આ ધરપકડ બાદ પશ્ચિમ બંગાળ પોલીસ અને STF ભારત-બાંગ્લાદેશ સરહદ પર વધુ સતર્ક બની છે. આ કેસમાં અન્ય કોઈ સ્થાનિક નેટવર્કની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ મિડલ ઈસ્ટમાં યુદ્ધ અંગે જયશંકરે રાજ્યસભામાં વ્યક્ત કરી ચિંતા, 67,000 ભારતીયોની સુરક્ષિત વાપસી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code