અમરાવતી, 02 સપ્ટેમ્બર 2026: આંધ્રપ્રદેશના પલાવરમ જિલ્લામાંથી એક દુઃખદ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મેલેરિયા સામે લડવા માટે આપવામાં આવેલી ક્લોરોક્વિન ગોળીઓ ખાધા બાદ સાત વર્ષની એક બાળકીનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય ૫૨ લોકો બીમાર પડ્યા છે અને હાલમાં હોસ્પિટલો તથા સ્થાનિક આરોગ્ય કેન્દ્રોમાં સારવાર લઈ રહ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેલંગાણા સાથેની આંતર-રાજ્ય સરહદ પર આવેલા પલાવડમ જિલ્લાના ગોલાગુપ્પા ગામમાં 71 લોકોને મેલેરિયા સામે રક્ષણ માટે મેલેરિયા-વિરોધી ગોળીઓ આપવામાં આવી હતી.
દવા લીધા પછી તરત જ સ્વાસ્થ્ય બગડવા લાગ્યું
અહેવાલો અનુસાર, દવા લીધાના થોડા જ સમય બાદ અનેક લોકોની તબિયત બગડવા લાગી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે તાત્કાલિક પગલાં લીધાં અને 29 દર્દીઓને તેલંગાણાની હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યારે 24 દર્દીઓને નજીકના આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા.
આ ઘટના બાદ સારવાર દરમિયાન બીજા ધોરણમાં અભ્યાસ કરતી સાત વર્ષની બાળકી માદિવી જમુનાનું મૃત્યુ થયું હતું. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, અન્ય દર્દીઓની હાલત હાલ પૂરતી સ્થિર છે.
વહીવટીતંત્ર અને સરકાર દ્વારા લેવાયેલા પગલાં
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ અધિકારીઓ પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે અને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. આ ઉપરાંત, પીડિતોને શક્ય શ્રેષ્ઠ તબીબી સારવાર મળે તે સુનિશ્ચિત કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.
છોકરીના મૃત્યુના વાસ્તવિક કારણ અંગે હાલમાં સત્તાવાર તપાસ ચાલી રહી છે, અને આરોગ્ય વિભાગ એ જાણવા માટે કામ કરી રહ્યું છે કે દવા લીધા બાદ લોકોનું સ્વાસ્થ્ય આટલું ગંભીર રીતે કેવી રીતે બગડ્યું.
વધુ વાંચો: નેપાળમાં પૂરને કારણે મૃત્યુઆંક વધીને 1127 થયો, 4858 લોકો હજુ પણ લાપતા


