- મુસાફરોને કસ્ટમ્સ, ઇમિગ્રેશન અને સામાનની તપાસમાં ફરીથી ચેકિંગમાંથી મુક્તિ: સમય અને ખર્ચની બચત થશે
અમદાવાદ, 2 સપ્ટેમ્બર, 2026 – અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPI) ખાતેથી ‘હબ ઍન્ડ સ્પોક’ મોડેલ હેઠળની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયની આ પહેલ હેઠળ અમૃતસર અને વારાણસી બાદ અમદાવાદ દેશનું ત્રીજું એરપોર્ટ બન્યું છે, જેને આંતરરાષ્ટ્રીય પ્રવાસી ટ્રાફિક માટે ભારતના અગ્રણી હબ-એન્ડ-સ્પોક માળખામાં સાંકળી લેવામાં આવ્યું છે.
ભારતની વિકાસયાત્રા તેજ ગતિથી આગળ વધી રહી છે
હબ એન્ડ સ્પોક સેવાના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની વિકાસયાત્રા તેજ ગતિથી આગળ વધી રહી છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રનો અગત્યનો ફાળો રહ્યો છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ‘ઉડે દેશ કા આમ નાગરિક’ અભિગમથી ‘ઉડાન’ યોજના હેઠળ ૬૭૯થી વધુ રૂટ્સ કાર્યરત કરી, સામાન્ય પ્રવાસીઓને એર કનેક્ટિવિટી આપીને વિમાન પ્રવાસનું સપનું સાકાર કરવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ ખાતેથી ‘હબ ઍન્ડ સ્પોક’ સેવા શરૂ થવાથી રાજ્યના આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ‘ઈઝ ઓફ ટ્રાવેલ’નો સીધો લાભ મળશે અને નાના શહેરોના મુસાફરોને બોર્ડિંગ, કસ્ટમ્સ અને ઇમિગ્રેશનની પ્રક્રિયામાંથી મુક્તિ મળશે.

ગુજરાત માટે આ સેવા મહત્વપૂર્ણ સાબિત થશે
આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કે. રામમોહન નાયડુએ જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈ આપવાની દિશામાં અમદાવાદથી હબ એન્ડ સ્પોક મોડલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદની વૈશ્વિક કનેક્ટિવિટી અને ગુજરાતની વિશાળ એનઆરઆઈ કમ્યુનિટી તથા વેપાર-ઉદ્યોગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ મોડલ મહત્વપૂર્ણ સાબિત થશે.
તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે હબ એન્ડ સ્પોક મોડલ અંતર્ગત અમદાવાદથી દિલ્હી મારફતે વિશ્વના આશરે 15 આંતરરાષ્ટ્રીય ગંતવ્યો સાથે વધુ સુગમ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. મુસાફરો માટે બેગેજ ચેકિંગ અને ઈમિગ્રેશન જેવી પ્રક્રિયાઓ અમદાવાદ ખાતે જ પૂર્ણ કરવાની સુવિધા મળવાથી દિલ્હી ખાતે ફ્લાઈટ બદલતી વખતે પડતી અગવડો દૂર થશે અને આંતરરાષ્ટ્રીય મુસાફરી વધુ સીમલેસ બનશે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી શ્રી મુરલીધર મોહોલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના વિઝન હેઠળ દેશનું એવિએશન સેક્ટર નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. દેશમાં એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને MRO(Maintenance, Repair, and Overhaul) સેક્ટરમાં થયેલા નીતિગત સુધારાઓથી ભારત ઝડપથી ગ્લોબલ એવિએશન હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. આગામી સમયમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલી યોજનાઓ હેઠળ પ્રાદેશિક કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવી નવા એરપોર્ટ્સ અને ડેસ્ટિનેશન્સ વિકસાવવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વિશ્વભરમાં પથરાયેલો વિશાળ પ્રવાસી ગુજરાતી સમુદાય, ગુજરાતનો મજબૂત વેપારી આધાર અને પ્રવાસનની અપાર શક્યતાઓને કારણે અમદાવાદ વૈશ્વિક સંપર્કનું એક મુખ્ય કેન્દ્ર બનશે.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન આપતા સિવિલ એવિએશન સચિવ શ્રી સમીર સિંહાએ જણાવ્યું હતું કે, વારાણસી અને અમૃતસરની સફળતા બાદ અમદાવાદ આ નેટવર્ક સાથે જોડાતાં દેશમાં સીમલેસ કનેક્ટિવિટીનો નવો યુગ શરૂ થયો છે. ‘હબ ઍન્ડ સ્પોક’ મોડેલ એ માત્ર નવી પ્રક્રિયા નથી, પરંતુ મુસાફરો, એરલાઇન્સ અને એરપોર્ટ તમામ માટે ફાયદાકારક એવું એક સશક્ત માળખું છે. આ વ્યવસ્થાથી પ્રવાસીઓ અમદાવાદથી જ દેશના મુખ્ય હબ મારફતે વિશ્વના કોઈ પણ આંતરરાષ્ટ્રીય સ્થળે સરળતાથી પહોંચી શકશે.
શું છે હબ ઍન્ડ સ્પોક સેવા?
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘હબ ઍન્ડ સ્પોક’ એ એરલાઇન ઓપરેશનલ સિસ્ટમ છે, જે હેઠળ નાના શહેરો (સ્પોક) ના મુસાફરોને મોટા કેન્દ્રીય એરપોર્ટ (હબ) પર લાવવામાં આવે છે અને ત્યાંથી કનેક્ટિંગ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ સુવિધાથી મુસાફરોના સામાન, કસ્ટમ્સ અને ઇમિગ્રેશન સંબંધિત તમામ તપાસ પ્રારંભિક એરપોર્ટ પર જ પૂર્ણ થઈ જશે, જેથી હબ એરપોર્ટ પર ફરીથી સુરક્ષા તપાસ કે ચેક-ઇન કરવાની જરૂર રહેશે નહીં. સ્વચાલિત સામાન ટ્રાન્સફર અને સરળ પ્રક્રિયાથી મુસાફરોના સમયની બચત થશે તેમજ એરલાઇન્સના ઓપરેટિંગ ખર્ચમાં ઘટાડો થશે.
આ ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, અદાણી એરપોર્ટના ડાયરેક્ટર જીત અદાણી, એર ઇન્ડિયા ગ્રુપના કોર્પોરેટ અફેર્સના હેડ શ્રી પી.બાલાજી, પ્રવાસન સચિવ શ્રી કુલદીપ આર્ય, નાગરિક ઉડ્ડયન વિભાગના પદાધિકારીઓ, એર ઈન્ડિયા અને અદાણી એરપોર્ટના પ્રતિનિધિઓ અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


