લાહોર, 5 સપ્ટેમ્બર 2026: પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ (PCB)માં ચાલી રહેલો વિવાદ અને ઉથલપાથલ અટકવાનું નામ નથી લઈ રહી. ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાની ટીમની કંગાળ રમત વચ્ચે ડ્રેસિંગ રૂમની અંદરોઅંદરની કલહ અને ખેલાડીઓના વર્તનને લઈને ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં શરમજનક પરાજય બાદ PCB એ મોટો નિર્ણય લેતા મોહમ્મદ રિઝવાન અને ઈમામ-ઉલ-હક સહિત સાત મોટા ખેલાડીઓને તાત્કાલિક સ્વદેશ પરત બોલાવી લીધા છે.
હેડિંગ્લેમાં પ્રથમ ટેસ્ટ મેચ ઇનિંગ અને 103 રને તેમજ લોર્ડ્સમાં બીજી ટેસ્ટ 194 રને હાર્યા બાદ પાકિસ્તાન ટીમમાં કાયાપલટ કરવામાં આવી છે. 9 સપ્ટેમ્બરથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ પહેલા સાત ખેલાડીઓ—મોહમ્મદ રિઝવાન, ઈમામ-ઉલ-હક, સલમાન અલી આગા, અલી ઉસ્માન, આમિર જમાલ, મોહમ્મદ અવાઈસ અને ખુર્રમ શહજાદને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. આ ઉપરાંત, મુખ્ય કોચ સરફરાજ અહેમદ અને બોલિંગ કોચ ઉમર ગુલને પણ પરત બોલાવી લેવાયા છે, જેમની જગ્યાએ હવે માઈક હેસન અને એશ્લે નોફકે કોચિંગની કમાન સંભાળશે.
અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે આ ખેલાડીઓ માત્ર ખરાબ પ્રદર્શનના કારણે બહાર થયા છે, પરંતુ રિપોર્ટ મુજબ મોહમ્મદ રિઝવાન, ઈમામ-ઉલ-હક અને સલમાન અલી આગાને ખરાબ પ્રદર્શન ઉપરાંત ડ્રેસિંગ રૂમમાં તેમના અશોભનીય વર્તનને કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. પીસીબી અધ્યક્ષ મોહસીન નાવી ટીમમાં મોટા પાયે સફાઈ અભિયાન ચલાવવા માંગે છે. આ ત્રણેય ખેલાડીઓએ વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન બનેલી કેટલીક ઘટનાઓ અંગે શિસ્ત સમિતિ સમક્ષ હાજર થઈને સ્પષ્ટતા કરવી પડશે.
-
મુખ્ય પસંદગીકાર આકિબ જાવેદને અલ્ટીમેટમ અને નવા ખેલાડીઓની એન્ટ્રી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુખ્ય પસંદગીકાર આકિબ જાવેદને પણ લાહોર હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં ડેવલપમેન્ટ ડિરેક્ટર તરીકેના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અલ્ટીમેટમ અપાયું છે. ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટ મેચ માટે સાઈમ અયુબ, અબ્દુલ્લાહ ફઝલ, અરાફાત મિન્હાસ, સાદ બેગ, મોહમ્મદ રંધાવા, રઝાઉલ્લાહ અને મોહમ્મદ ઈમરાન જુનિયર જેવા નવા યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.


