નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર 2026: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ન્યૂયોર્ક પહોંચીને વૈશ્વિક કૂટનીતિ ઝડપી બનાવી છે. તેમણે યુરોપીયન યુનિયન (ઈયુ) ના પોતાના સમકક્ષો તેમજ મધ્ય યુરોપના ચાર દેશોના શક્તિશાળી ગઠબંધન ‘વિસેગ્રાદ ગ્રુપ’ (વી4) ના વિદેશ મંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ કરી હતી.
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, ન્યૂયોર્કમાં યુરોપીયન યુનિયનના સહયોગીઓ સાથે ભારત-ઈયુ સહયોગ, બહુપક્ષીય મુદ્દાઓ તેમજ ખાડી પ્રદેશ, યુક્રેન અને હિંદ-પ્રશાંત ક્ષેત્રની વર્તમાન સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, તેમણે નાઉરુના પ્રમુખ ડેવિડ એડાંગ સાથે પણ મુલાકાત કરી ભારતની વિકાસ ભાગીદારી અંગે કટિબદ્ધતા દર્શાવી હતી.
મધ્ય યુરોપના ચાર દેશો – ચેક રિપબ્લિક, હંગરી, પોલેન્ડ અને સ્લોવાકિયાના ગઠબંધન ‘વિસેગ્રાદ ગ્રુપ’ (વી4) સાથે ભારતની પ્રથમ વિદેશ મંત્રી સ્તરની બેઠક યોજાઈ હતી. જયશંકરે આ બેઠકને એક નવી ઐતિહાસિક તક ગણાવી હતી. આ સમિટમાં પોલેન્ડના નાયબ વડાપ્રધાન રાડેક સિકોર્સ્કી, હંગરીના નાયબ વડાપ્રધાન અનીતા ઓર્બન, સ્લોવાકિયાના વિદેશ મંત્રી જુરાજ બ્લાનાર અને ચેક રિપબ્લિકના વિદેશ મંત્રી પેટ્ર મૈસિંકા હાજર રહ્યા હતા.
-
વાર્ષિક બિઝનેસ ફોરમ અને સંરક્ષણ સહયોગ પર સંમતિ
બેઠક બાદ વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત અને વી4 દેશોના વિદેશ મંત્રીઓ હવે દર વર્ષે નિયમિત મુલાકાત કરશે. આર્થિક અને રાજકીય સંબંધોને મજબૂત કરવા વાર્ષિક બિઝનેસ ફોરમનું આયોજન કરવામાં આવશે. વી4 દેશો સાથે ભારતનો સંરક્ષણ ઇતિહાસ મજબૂત રહ્યો છે. હવે સ્પેસ, કનેક્ટિવિટી, રિસર્ચ, એજ્યુકેશન અને ટેકનોલોજી ક્ષેત્રે ભાગીદારી વધારવામાં આવશે.
-
વૈશ્વિક સંકટો પર ભારતનું વલણ
આ બેઠકમાં યુક્રેન સંકટ અને ખાડી પ્રદેશમાં સર્જાયેલી સ્થિતિ જેવા વૈશ્વિક મુદ્દાઓ પર પણ ગંભીર મંથન થયું હતું. જયશંકરે ઉમેર્યું હતું કે, વી4 દેશો ઔદ્યોગિક રીતે અત્યંત મજબૂત છે અને તેમની પાસે ટેકનોલોજીકલ ટેલેન્ટ છે, જેથી ભારત આ જૂથ સાથે મળીને કામ કરવા ઉત્સુક છે.


