Homeગુજરાતીદેશ-વિદેશએન્ટી-ડ્રોન ટેકનોલોજી: DRDO 5 કિમીની રેન્જવાળું લેઝર વેપન બનાવશે

એન્ટી-ડ્રોન ટેકનોલોજી: DRDO 5 કિમીની રેન્જવાળું લેઝર વેપન બનાવશે

નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર 2026: ભારત પોતાની એન્ટી-ડ્રોન ક્ષમતાઓને મજબૂત કરવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ દિશામાં આગળ વધી રહ્યું છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) આગામી છ મહિનાની અંદર પોતાના 30 કિલોવોટની ક્ષમતા ધરાવતા લેઝર વેપન માટે ‘ઇન્ડસ્ટ્રી પાર્ટનર’ પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યું છે. આ માટે ટૂંક સમયમાં એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ બહાર પાડવામાં આવશે. આ શક્તિશાળી હથિયારને ફર્સ્ટ ઓફ પ્રોડક્શન મોડલ એટલે કે પ્રારંભિક ઉત્પાદન મોડલ સુધી પહોંચાડવાની તૈયારી ચાલી રહી છે. ડીઆરડીઓના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ 2025માં જ આ સિસ્ટમના અંતિમ પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યા છે અને તેની ટેકનોલોજી સંપૂર્ણપણે પુરવાર થઈ ગઈ છે.

ટ્રક પર માઉન્ટ કરી શકાતું ડીઆરડીઓનું આ લેઝર હથિયાર ખાસ કરીને દુશ્મનના ડ્રોન અને માનવરહિત વિમાનોને હવામાં જ તોડી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. 5 કિલોમીટરની રેન્જ ધરાવતી આ સિસ્ટમ દુશ્મનની કોઈ પણ નાપાક હિલચાલને નિષ્ફળ બનાવી શકે છે. ડીઆરડીઓના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન સિસ્ટમ્સના ડિરેક્ટર જનરલ ડૉ. બી. કે. દાસે આ બાબતની પુષ્ટિ કરી છે.

  • ‘ઓપરેશન સિંદૂર’ બાદ એન્ટી-ડ્રોન ટેકનોલોજી પર વિશેષ ભાર

મે 2025માં હાથ ધરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન સરહદ પારથી સસ્તા ડ્રોન દ્વારા ભારતીય એર ડિફેન્સ થાણાઓની જાસૂસી કરવાનો પ્રયાસ થયો હતો. મિસાઈલ કે અન્ય પરંપરાગત હથિયારોથી સસ્તા ડ્રોન તોડી પાડવા ખૂબ જ મોંઘા પડે છે. આ પડકાર સામે લેઝર વેપન એક સચોટ અને અત્યંત સસ્તો વિકલ્પ છે, કારણ કે તેમાં દરેક ટાર્ગેટ માટે અલગ મિસાઈલ કે ઈન્ટરસેપ્ટરનો ખર્ચ કરવો પડતો નથી.

  • 2kW અને 10kW લેઝર સિસ્ટમ પણ સજ્જ

DRDO વિવિધ ક્ષમતા ધરાવતા ડાયરેક્ટેડ એનર્જી વેપન્સ (DEW) પર કામ કરી રહ્યું છે…

2kW લેઝર સિસ્ટમ: આ સિસ્ટમનું પ્રોડક્શન શરૂ થઈ ચૂક્યું છે, જેમાં અદાણી, એસ્ટ્રા અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ જેવી કંપનીઓ સામેલ છે.
10kW લેઝર સિસ્ટમ: 1.5 થી 2 કિમીની રેન્જ ધરાવતી આ સિસ્ટમ માટે 10 થી 12 યુનિટનો ઓર્ડર આપવામાં આવ્યો છે. L&T અને BEL તેના ડેવલપમેન્ટ-કમ-પ્રોડક્શન પાર્ટનર છે.
30kW લેઝર સિસ્ટમ: 5 કિમીની રેન્જ ધરાવતું આ હથિયાર હવે આગામી તબક્કામાં પ્રોડક્શન પાર્ટનરની પસંદગી તરફ આગળ વધી રહ્યું છે.

  • લેઝર વેપન કેવી રીતે કામ કરે છે?

ડાયરેક્ટેડ એનર્જી વેપન હાઈ-પાવર લેઝર બીમ છોડે છે, જે પ્રકાશની ઝડપે સીધી લક્ષ્ય પર ત્રાટકે છે. તેમાં મિસાઈલની જેમ લક્ષ્ય સુધી પહોંચવાનો સમય લાગતો નથી. આ સિસ્ટમ OODA લૂપના આધારે રડાર દ્વારા ટાર્ગેટ સ્કેન કરીને તેને સેકન્ડોમાં નિષ્ક્રિય કરી દે છે. ચીન અને પાકિસ્તાન તરફથી વધી રહેલા ડ્રોન થ્રેટ સામે ભારતની આ સ્વદેશી લેઝર ટેકનોલોજી દેશની એર ડિફેન્સ ક્ષમતા માટે ગેમ-ચેન્જર સાબિત થશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular