ગાંધીનગર, 07 નવેમ્બર,2026 : November ration quantity was delivered in advance. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ દિવાળીના તહેવારને ધ્યાને રાખીને રાજ્યના પાત્ર લાભાર્થીઓને તેમનો નવેમ્બર-૨૦૨૬ માસનો મળવાપાત્ર અનાજ તેમજ અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો સમયમર્યાદામાં મળી રહે તે માટે પુરવઠા તંત્ર દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ઓક્ટોબર માસથી જ રેશનિંગની દુકાનો સુધી એડવાન્સમાં અનાજનો જથ્થો પહોંચાડવા માટે ‘ડોર સ્ટેપ ડિલિવરી’ સુચારુ રૂપે શરૂ કરવામાં આવી હતી.
નિગમના તમામ ગોડાઉનો ખાતેથી સવારે વહેલાથી લઈને રાત્રે મોડે સુધી તેમજ તમામ જાહેર રજાઓમાં પણ કામગીરી નિરંતર ચાલુ રાખવામાં આવી હતી, જેના પરિણામે નવેમ્બર-૨૦૨૬ માસનો તમામ જથ્થો એડવાન્સમાં જ રાજ્યની વ્યાજબી ભાવની દુકાનો (FPS) સુધી પહોંચાડી દેવામાં આવ્યો છે. વાજબી ભાવની દુકાનો દ્વારા પણ આ જથ્થો ઉત્સાહપૂર્વક લાભાર્થીઓને એડવાન્સમાં જ વિતરિત કરવામાં આવી રહ્યો છે.
ડોર સ્ટેપ ડિલિવરીની વર્તમાન સ્થિતિ અંતર્ગત, ઘઉંની કુલ ૬૮,૬૦૦ મે.ટન પરમિટ સામે ૬૮,૫૦૩ મે.ટન, એટલે કે ૯૯.૯૧ ટકા જથ્થો FPS સુધી પહોંચતો કરવામાં આવ્યો છે. ચોખાની કુલ ૮૬,૨૫૨ મે. ટન પરમિટ સામે ૮૬,૧૭૦ મે.ટન, એટલે કે ૯૯.૯૦ ટકા જથ્થો પહોંચાડવામાં આવ્યો છે.
આ ઉપરાંત, ચણાની કુલ ૫,૮૮૫ મે. ટન પરમિટ સામે ૧૦૦ ટકા જથ્થો, તુવેર દાળની કુલ ૫,૯૭૮ મે.ટન પરમિટ સામે ૧૦૦ ટકા જથ્થો અને ખાંડની કુલ ૪,૧૯૪ મે.ટન પરમિટ સામે પણ પૂરે-પૂરો ૧૦૦ ટકા જથ્થો FPS સુધી સફળતાપૂર્વક પહોંચતો કરવામાં આવ્યો છે, તેમ અન્ન અને નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવવામાં આવ્યું છે. દિવાળીના પર્વ પર રાજ્યનો કોઈ પણ લાભાર્થી તેમને મળવાપાત્ર જથ્થાથી વંચિત ન રહે તે માટે પુરવઠા તંત્ર સતત કાર્યરત છે.


