નવી દિલ્હી, 10 ઓક્ટોબર 2026: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પ્રથમ સમિતિની બેઠકમાં ભારતે પાકિસ્તાનને અત્યંત કડક સંદેશ આપતા સ્પષ્ટ કર્યું છે કે પરમાણુ હથિયારોને દેશો વચ્ચે દબાણ લાવવાનું કે બ્લેકમેલિંગનું સામાન્ય સાધન બનાવી શકાય નહીં. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે દ્રઢતાપૂર્વક જાહેરાત કરી છે કે તે પાકિસ્તાનની આવી કોઈ પણ પરમાણુ ધમકી સામે ઝૂકશે નહીં. સ્વિત્ઝર્લેન્ડના જીનિવા ખાતે નિરસ્ત્રીકરણ બાબતોના વરિષ્ઠ સલાહકાર અનમોલ શેર સિંહ બેદીએ પાકિસ્તાન દ્વારા ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યા બાદ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર ભારતનો અવિભાજ્ય અને અખંડ ભાગ છે. તેમણે ઉમેર્યું કે ભારત હંમેશા શાંતિનો પક્ષધર રહ્યો છે, પરંતુ ગેરજવાબદાર પ્રવૃત્તિઓ માટે જવાબદેહી નક્કી કરવામાં નહીં આવે તો શાંતિ માત્ર બે સંકટો વચ્ચેનો ક્ષણિક વિરામ બનીને રહી જાય છે.
ભારતે પોતાની લશ્કરી ક્ષમતાઓ સંદર્ભે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે દેશની સૈન્ય તાકાત સંપૂર્ણપણે રક્ષણાત્મક છે અને તે માત્ર રાષ્ટ્રીય સુરક્ષા જરૂરિયાતો અનુસાર નક્કી કરવામાં આવી છે, જે કોઈ અન્ય દેશ વિરુદ્ધ નથી. ભારતીય પ્રતિનિધિએ ઉમેર્યું કે પરમાણુ હથિયારોનો રાજકીય હથકંડા તરીકે ઉપયોગ કરવો અત્યંત જોખમી છે. આ પ્રકારની ધમકીઓ આપીને આતંકવાદ સામેના જવાબી પગલાંને રોકવાનો પ્રયાસ કરવાથી તણાવ ઘટતો નથી, પરંતુ પરિસ્થિતિ વધુ વણસવાની શક્યતા રહે છે. સત્તામાં બેઠેલા લોકો જ્યારે જનતા પ્રત્યે જવાબદાર નથી હોતા ત્યારે તેની કિંમત સામાન્ય નાગરિકોએ ચૂકવવી પડે છે અને સંકટ એ સત્તા ટકાવવાનું સાધન બની જાય છે.
-
આતંકી જૂથ દ્વારા હુમલો કરાવવાથી સંબંધિત દેશ પોતાની જવાબદારીમાંથી છટકી શકતો નથી: ભારત
આતંકવાદ પ્રત્યે પોતાની શૂન્ય સહિષ્ણુતાની નીતિ પુનઃઉચ્ચારતા ભારતે સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી ત્રણ મુખ્ય બાબતો સ્પષ્ટ કરી હતી: પ્રથમ, ભારત પર થતા કોઈપણ આતંકવાદી હુમલાનો યોગ્ય અને આકરો જવાબ આપવામાં આવશે. દ્વિતીય, ભારત પરમાણુ હથિયારોના ડરથી પોતાની જવાબી કાર્યવાહી ક્યારેય રોકશે નહીં. તૃતીય, આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓ અને તેની સાજિશ રચનારાઓ વચ્ચે ભારત કોઈ ભેદભાવ કરશે નહીં; કોઈ બિન-સરકારી સંગઠન કે આતંકી જૂથ દ્વારા હુમલો કરાવવાથી સંબંધિત દેશ પોતાની જવાબદારીમાંથી છટકી શકતો નથી.
ગયા વર્ષે પહેલગામમાં થયેલા નિર્મમ આતંકી હુમલા અને તેના જવાબમાં ભારતે હાથ ધરેલા ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરતા અનમોલ બેદીએ જણાવ્યું કે 26 નિર્દોષ નાગરિકોના મોત બાદ ભારતે આત્મરક્ષણ માટે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓ પર સચોટ અને સંયમિત કાર્યવાહી કરી હતી. આ સાથે સિંધુ જળ સંધિ અંગે ભારતે ભારપૂર્વક જણાવ્યું કે આ કરાર પરસ્પર વિશ્વાસ અને સદ્ભાવના પર આધારિત હતો. જે દેશ સતત વિશ્વાસઘાત કરતો હોય તે કરારના ફાયદા ચાલુ રહેવાની અપેક્ષા રાખી શકે નહીં. પાકિસ્તાન સીમાપાર આતંકવાદને પ્રોત્સાહન આપવાનું કાયમી ધોરણે બંધ નહીં કરે ત્યાં સુધી આ સંધિ સ્થગિત જ રહેશે.
પરમાણુ પ્રસારના મુદ્દે પાકિસ્તાનને ઉઘાડું પાડતા ભારતે પાકિસ્તાની વૈજ્ઞાનિક એ.ક્યુ. ખાનના આંતરરાષ્ટ્રીય પરમાણુ નેટવર્કનો ભૂતકાળ યાદ અપાવ્યો હતો, જેના કારણે બે દાયકા પહેલાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો પ્રસ્તાવ 1540 લાવવો પડ્યો હતો. આ નેટવર્કે ગેરકાયદેસર રીતે પરમાણુ સામગ્રી અને ટેકનોલોજીનો પ્રસાર કર્યો હતો. ભારતે વૈશ્વિક સમુદાય અને જવાબદાર પૂરવઠાદાર દેશોને અપીલ કરી છે કે પરમાણુ સહયોગ અને આધુનિક શસ્ત્રોની માંગ સંદર્ભે અત્યંત સતર્કતા રાખવી જરૂરી છે, જે માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની સુરક્ષા માટે અનિવાર્ય છે.


