નવી દિલ્હી, 14 ઓક્ટોબર 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ઓક્ટોબર 2026ના રોજ સાંજે અંદાજે 4:30 વાગ્યે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે એશિયન ગેમ્સ 2026માં ભાગ લેનારા ભારતીય જૂથ સાથે વાર્તાલાપ કરશે. તેમજ તેઓ આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને પણ સંબોધિત કરશે.
આઇચી-નાગોયા, જાપાન ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે 21 સુવર્ણ, 27 રજત અને 37 કાસ્ય સહિત 85 મેડલ જીતીને મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. આ એશિયન ગેમ્સમાં ટોચના પાંચ દેશોમાં ભારતનું સતત બીજી વખત સ્થાન દર્શાવે છે, જે વિવિધ રમતગમત શાખાઓમાં દેશની વધતી સ્પર્ધાત્મકતાને પ્રતિબિંબિત કરે છે.
ભારતે આ રમતોમાં ઘણી નોંધપાત્ર સિદ્ધિઓ નોંધાવી હતી, જેમાં રિકર્વ તીરંદાજીમાં ઐતિહાસિક પ્રદર્શન, એક જ સંસ્કરણમાં પુરુષ અને મહિલા બંને હોકી ટીમ માટે સુવર્ણચંદ્રક, અને સોફ્ટ ટેનિસ તથા મિશ્ર માર્શલ આર્ટ્સમાં પ્રથમ મેડલનો સમાવેશ થાય છે. અન્ય મહત્વપૂર્ણ સિદ્ધિઓમાં મહિલા ટ્રેપ સ્પર્ધામાં ભારતનો સર્વપ્રથમ સુવર્ણચંદ્રક, 28 વર્ષના અંતરાલ પછી એશિયન ગેમ્સમાં વેઇટલિફ્ટિંગમાં રજતચંદ્રક, અને ગ્રીકો-રોમન કુશ્તીમાં રજતચંદ્રક શામેલ છે, ગ્રીકો-રોમન કુસ્તીમાં આ સિદ્ધિ સાથે ભારતીય ખેલાડીના ફાઇનલમાં પહોંચવાની 64 વર્ષની પ્રતીક્ષાનો અંત આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ભારતીય જૂથના એથ્લેટ્સ, તેમના કોચ અને સપોર્ટ સ્ટાફ, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના અધિકારીઓ, નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રતિનિધિઓ અને યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના અધિકારીઓ હાજરી આપશે.


