Homerevoinewsહાલના સંજોગો જોતા મને નથી લાગતું કે હેરા ફેરી ૩ ક્યારેય બની...

હાલના સંજોગો જોતા મને નથી લાગતું કે હેરા ફેરી ૩ ક્યારેય બની શકશેઃ પ્રિયદર્શન

મુંબઈ, 14 ઓક્ટોબર 2026: બોલિવૂડના દિગ્દર્શક પ્રિયદર્શને ફિલ્મોના સિક્વલ બનાવવા અને તેની પાછળ રહેલા હેતુઓ પર ખુલીને પોતાના વિચારો રજૂ કર્યા છે. વર્ષ 2026માં પોતાની બે ફિલ્મો ‘ભૂત બંગલા’ (જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી) અને ‘હૈવાન’ (જેને દર્શકોએ નકારી હતી) લાવનાર પ્રિયદર્શને તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ શા માટે ફિલ્મોના સિક્વલ બનાવવાથી દૂર રહે છે. ખાસ કરીને તેમની 2006માં આવેલી સુપરહિટ કોમેડી ફિલ્મ ‘ભાગમ ભાગ’ના સિક્વલની જાહેરાત થઈ છે, પરંતુ તેનું નિર્દેશન તેઓ ખુદ નથી કરી રહ્યા.

ઇન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન પ્રિયદર્શને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘હું ક્યારેય સિક્વલ બનાવતો નથી, કારણ કે પાર્ટ-૨ બનાવવાનો મૂળ ઉદ્દેશ્ય એ હોવો જોઈએ કે તે પ્રથમ ભાગ કરતા વધુ સારો હોય. જેમ કે ‘ટર્મિનેટર’ ફ્રેન્ચાઈઝીમાં પાર્ટ-2, પાર્ટ-1 કરતા શ્રેષ્ઠ હતો. જ્યાં સુધી તમારી પાસે કોઈ શાનદાર અને દમદાર સ્ટોરી ન હોય, ત્યાં સુધી સિક્વલ બનાવવો યોગ્ય નથી. લોકો સામાન્ય રીતે પહેલી ફિલ્મ હિટ થતાં જ તેના નામે સિક્વલ બનાવી લે છે, પરંતુ જો બીજો ભાગ પહેલા ભાગ જેવો કે તેથી સારો ન બની શકે, તો ફ્રેન્ચાઈઝી સિનેમાનું કોઈ મહત્ત્વ રહેતું નથી.’

ફિલ્મોના સિક્વલ પાછળના વ્યાપારી હેતુઓ પર વાત કરતા તેમણે ઉમેર્યું, ‘સિક્વલ ફિલ્મોમાં એવું થાય છે કે નિર્માતાઓ પહેલી ફિલ્મની સફળતા અને લોકપ્રિયતાને વટાવવાનો પ્રયાસ કરે છે. તેઓ વાસ્તવમાં કોઈ સારી ફિલ્મ નથી બનાવતા, પરંતુ માત્ર એક બિઝનેસ પ્રોજેક્ટ તૈયાર કરે છે અને મને આવા પ્રોજેક્ટ્સમાં કોઈ રસ નથી. અગાઉ ‘ભાગમ ભાગ’ના સમયે પણ અક્ષય કુમારે મને પૂછ્યું હતું કે શું હું તેના બીજા ભાગનું નિર્દેશન કરવા ઈચ્છું છું, ત્યારે મેં સાફ ના પાડી દીધી હતી. જો કોઈ ફિલ્મની લોકો પ્રશંસા કરે, તો માત્ર સિક્વલ બનાવીને તે પ્રશંસાને કેમ બગાડવી જોઈએ? મારી ફિલ્મોના સિક્વલ ભલે બીજા લોકો બનાવે, મને તેમાં કોઈ વાંધો નથી.’

  • ‘હેરા ફેરી ૩’ પર કહી આ મોટી વાત

પોતાની જ સુપરહિટ ફિલ્મ ‘હેરા ફેરી’ના ત્રીજા ભાગ વિશે વાત કરતા પ્રિયદર્શને જણાવ્યું કે, ‘આ ફિલ્મ સાથે ઘણી બધી મુસાફરો અને જટિલતાઓ જોડાયેલી છે. આ વિશે વાત કરવા માટે મારે ઘણા બધા પ્રકરણો લખવા પડે તેમ છે. હાલના સંજોગો જોતા મને નથી લાગતું કે ‘હેરા ફેરી ૩’ ક્યારેય બની શકશે.’અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 11 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી પ્રિયદર્શનની ફિલ્મ ‘હૈવાન’ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. આ ફિલ્મમાં બોલીવૂડના દિગ્ગજ અભિનેતાઓ સૈફ અલી ખાન અને અક્ષય કુમારે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ બંને કલાકારોએ આ ફિલ્મ દ્વારા પૂરા 18 વર્ષ પછી એકસાથે મોટા પડદા પર વાપસી કરી હતી, જોકે દર્શકોએ આ ફિલ્મને નકારી કાઢી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular