નવી દિલ્હી, 15 ઓક્ટોબર 2026: ભારતમાં વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કરી રહેલા ‘કોકરોચ જનતા પાર્ટી’ (સીજેપી) ના સંસ્થાપક અભિજીત દીપકે અને જાણીતી અમેરિકન ગાયિકા તથા અભિનેત્રી મેરી મિલબેન વચ્ચે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર તીખી શાબ્દિક ટક્કર જોવા મળી હતી. આ વિવાદ મુખ્યત્વે સીજેપી સંગઠનને કથિત રીતે વિદેશી (અમેરિકન) દાતાઓ તરફથી મળી રહેલી ફંડિંગ અને ભારતના આંતરિક રાજકારણમાં બહારના લોકોના હસ્તક્ષેપને લઈને થયો હતો.
અમેરિકન ગાયિકા મેરી મિલબેને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને મોટો દાવો કર્યો હતો કે, ભારતમાં વિરોધ પ્રદર્શનો ચલાવી રહેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ ને અમેરિકામાં બેઠેલા દાતાઓ દ્વારા ફંડિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેમણે ભારતના યુવા દેશભક્તોને અપીલ કરી હતી કે તેઓ આગળ આવે અને અભિજીત દીપકેના આ સંગઠનની કથિત ‘વિનાશકારી વિચારધારા’ સામે શાંતિપૂર્ણ વિરોધ નોંધાવે.
મિલબેનના આક્ષેપો સામે આક્રમક વલણ અપનાવતા સીજેપી સંસ્થાપક અભિજીત દીપકેએ વળતો પ્રહાર કર્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, પીએમ મોદી શા માટે પોતાના જ દેશવાસીઓને બદનામ કરવા માટે અમેરિકનોનો સહારો લઈ રહ્યા છે? મિલબેનના નિવેદન પર પ્રતિક્રિયા આપતા દીપકેએ જણાવ્યું હતું કે, “ભારતના આંતરિક બાબતોમાં દખલ કરવાનો અધિકાર કોઈ વિદેશી નાગરિકને ક્યારેય નથી મળ્યો. અમે અમારા પ્રશ્નો અને મુદ્દાઓને જાતે જ ઉકેલવા માટે સક્ષમ છીએ, અમને બહારના લોકોના હસ્તક્ષેપની કોઈ જરૂર નથી.”
આ સમગ્ર વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે નવી દિલ્હીમાં વિપક્ષી પક્ષો અને સીજેપી દ્વારા વેટર યાદીના ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ માં કથિત અનિયમિતતાઓને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે જોરદાર દેખાવો થઈ રહ્યા છે.
-
પીએમ મોદીના સમર્થનમાં મેરી મિલબેનનું નિવેદન
દીપકેના પ્રહારનો જવાબ આપતા મેરી મિલબેને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીને કોઈપણ પ્રકારના અમેરિકન સમર્થનની જરૂર નથી, કારણ કે તેમને છેલ્લા 25 વર્ષોથી દેશના 1.5 અબજ શ્રેષ્ઠ નાગરિકોનો અતૂટ સાથ મળ્યો છે. તેમણે ઉમેર્યું કે, 12 વર્ષ મુખ્ય પ્રધાન તરીકે અને સતત ત્રણ ટર્મથી વડાપ્રધાન તરીકે જનતાએ તેમનો વિશ્વાસ મૂક્યો છે અને 2029માં પણ જનતા તેમની સાથે જ રહેશે.
દીપકેને ચેતવણી આપતા મિલબેને ઉમેર્યું હતું કે, “તમે સફળ નહીં થઈ શકો, કારણ કે અરાજકતા ક્યારેય જીતી શકતી નથી. આના કરતાં તમારી અમેરિકન શિક્ષણ અને પ્રતિભાનો ઉપયોગ રચનાત્મક અને સારા કાર્યો માટે કરો.” તેમણે દીપકેને સલાહ આપી કે તેઓ પીએમ મોદી સાથે બેસીને ભારતને આગળ લઈ જવા માટે સકારાત્મક અવાજ બને.
અત્રે ઉલ્લેખનીય છે કે, મેરી મિલબેન એક જાણીતી આફ્રિકન-અમેરિકન હોલિવૂડ અભિનેત્રી અને ગાયિકા છે. તેઓ ભારતમાં પોતાનું રાષ્ટ્રગાન અને લોકપ્રિય ભક્તિગીત ‘ઓમ જય જગદીશ હરે’ ગાવાને કારણે ભારે લોકપ્રિયતા ધરાવે છે. તેમણે વર્ષ ૨૦૨૩માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન સત્તાવાર કાર્યક્રમમાં ભારતનું રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ ગાયું હતું.


