મુંબઈ, 16 ઓક્ટોબર 2026: આમિર ખાનના ભાણેજ અને બોલિવૂડ અભિનેતા ઇમરાન ખાનને મુંબઈના ફોરેનર્સ રીજનલ રજિસ્ટ્રેશન ઓફિસ દ્વારા 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાનો નિર્દેશ આપતી નોટિસ ફટકારવામાં આવી છે. આ મામલો સામે આવ્યા બાદ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. અભિનેતાના સમર્થનમાં ઉતરેલી આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવ અને સબા આઝાદે આ કાર્યવાહી સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે.
કિરણ રાવે સોશિયલ મીડિયા પર આશ્ચર્ય વ્યક્ત કરતા લખ્યું હતું કે, “વાહ, મુંબઈ પોલીસ… 43 વર્ષની ઉંમરમાંથી 40 વર્ષ ભારતમાં વિતાવ્યા, અહીં જ અભ્યાસ કર્યો, કામ કર્યું, સફળતા-નિષ્ફળતા જોઈ અને અહીં જ જીવન જીવ્યા, છતાં આવો આદેશ?” બીજી તરફ, અભિનેત્રી અને ગાયિકા સબા આઝાદે પણ આ નોટિસને ‘બકવાસ’ ગણાવીને પોતાનો રોષ ઠાલવ્યો હતો.
આ સમગ્ર વિવાદની શરૂઆત 10 ઓક્ટોબરના રોજ થઈ હતી, જ્યારે ઇમરાન ખાન મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે ‘કોકરોચ જનતા પાર્ટી’ દ્વારા આયોજિત એક પ્રદર્શનમાં સામેલ થયા હતા. આ પ્રદર્શન મતદાર યાદીમાં કથિત ગડબડીઓને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ માટે યોજાયું હતું. પ્રદર્શન દરમિયાન મુંબઈ પોલીસે ઇમરાન અને તેમની ગર્લફ્રેન્ડ લેખાની અટકાયત કરી હતી અને બાદમાં છોડી મૂક્યા હતા. ત્યારબાદ 15 ઓક્ટોબરના રોજ FRRO એ ‘ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025’ ના કથિત ઉલ્લંઘનનો હવાલો આપીને ઇમરાન ખાનને 28 ઓક્ટોબર સુધીમાં દેશ છોડવાની નોટિસ પાઠવી હતી. મુંબઈમાં નાગરિક તરીકે પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવનારા અભિનેતા હવે આ નોટિસ સામે કાનૂની લડાઈ લડવાની તૈયારી કરી રહ્યા છે.
-
બોમ્બે હાઈકોર્ટમાં નોટિસને પડકારાશે
ઇમરાન ખાનના વકીલ ઝુલ્ફિકારે પુષ્ટિ કરી છે કે તેઓ આ નોટિસને બોમ્બે હાઈકોર્ટમાં પડકારવા માટે અરજી દાખલ કરી રહ્યા છે. બચાવ પક્ષની ટીમનો તર્ક છે કે કાયદામાં એવી કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી કે જે ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા કાર્ડધારકોને કોઈપણ શાંતિપૂર્ણ પ્રદર્શન કે વિરોધમાં સામેલ થવાથી રોકતી હોય.


