ચેન્નઈ, 17 ઓક્ટોબર 2026: મદ્રાસ હાઈકોર્ટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને તમિલનાડુમાં 25 ઓક્ટોબર અને 1 નવેમ્બરના રોજ 128 સ્થળોએ રૂટ માર્ચ કાઢવાની મંજૂરી આપવાનો રસ્તો સાફ કરી દીધો છે. અગાઉ પોલીસે સુરક્ષા અને અન્ય કારણોસર મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો, જેના પર અદાલતે નારાજગી વ્યક્ત કરી હતી.
ન્યાયમૂર્તિ વી. લક્ષ્મીનારાયણને સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે પોલીસે મંજૂરી ન આપવા માટે કોઈ નવા કારણો રજૂ કર્યા નથી, પરંતુ અગાઉ જે કારણોને અદાલતે નબળા ગણાવ્યા હતા, તે જ જૂના કારણોનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે. હાઈકોર્ટે પોલીસ અધિકારીઓને ૧૯ ઓક્ટોબર સુધીમાં પ્રસ્તાવિત રૂટ માર્ચ અને જનસભાઓના સમય, માર્ગ અને સ્થળ નક્કી કરવાનો નિર્દેશ આપ્યો છે. સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને પોલીસ તેમાં જરૂરી ફેરફાર કરી શકશે.
આ મામલે ઉત્તર તમિલનાડુના રાજ્ય સચિવ વી. જી. જગદીશ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે પોલીસે ગણવેશ અને બેન્ડ સાથે રૂટ માર્ચ તથા જનસભા યોજવાની મંજૂરી આપવાની ના પાડી દીધી હતી. તમિલનાડુમાં વર્ષ 2022થી પરવાનગી ન મળવાને કારણે સંઘને વારંવાર કોર્ટના દરવાજા ખખડવા પડે છે. મહાઅધિવક્તાએ કોર્ટને જણાવ્યું કે આયોજકોના આવેદનપત્ર પર વિચારણા કરીને પોલીસ ૧૯ ઓક્ટોબર સુધીમાં પરવાનગી અંગેનો અંતિમ નિર્ણય કરશે, ત્યારબાદ અદાલતે અરજીનો નિકાલ કર્યો હતો.
-
પોલીસના વલણ પર અદાલતની ઝાટકણી
અદાલતે સ્પષ્ટ કર્યું કે રાજ્યના કાયદાનો ઉપયોગ આરએસએસના રૂટ માર્ચ કાઢવાના અધિકારને સંપૂર્ણપણે સમાપ્ત કરવા માટે થઈ શકે નહીં. પોલીસ દ્વારા ધાર્મિક સ્થળોની હાજરી, ટ્રાફિક વ્યવ્ષા અને કાયદો-વ્યવસ્થા બગડવાની આશંકા જેવા જૂના તર્કો રજૂ કરાયા હતા, જેને કોર્ટે ફગાવી દીધા હતા. હાઈકોર્ટે તમિલનાડુ પોલીસને ભવિષ્યમાં આવા અરજીઓને વારંવાર રદ ન કરવા અને સમયસર નિયમોનુસાર નિર્ણય લેવા તાકીદ કરી છે.


