બેંગલુરુ, 17 ઓક્ટોબર 2026: નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટી (એનએલએસઆઈયુ), બેંગલુરુના 34મા પદવીદાન સમારોહમાં દેશના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) અને યુનિવર્સિટીના ચાન્સલરે કાયદાના સ્નાતકોને સંબોધિત કર્યા હતા. તેમણે કાયદાના વિદ્યાર્થીઓને ન્યાય, નિષ્પક્ષતા અને બંધારણીય મૂલ્યો પ્રત્યે હંમેશાં પ્રતિબદ્ધ રહેવા આહ્વાન કર્યું હતું. સીજેઆઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કાયદાનો વ્યવસાય માત્ર કાયદાઓ અને ન્યાયિક ચુકાદાઓના જ્ઞાન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેના માટે નૈતિક સાહસ, સ્વતંત્ર વિચારસરણી અને સમાજ પ્રત્યેની જવાબદારી અત્યંત આવશ્યક છે.
મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે વકીલોએ હંમેશા ન્યાયના પક્ષમાં ઊભા રહેવાનું સાહસ દાખવવું જોઈએ અને જે લોકોનો અવાજ દબાઈ જાય છે તેમની વાત વિનમ્રતાથી સાંભળવી જોઈએ. કોઈપણ વ્યક્તિનું આકલન કરતા પહેલા તેની રજૂઆત સાંભળવી, વિચાર અને વ્યક્તિ વચ્ચેનો ભેદ સમજવો તેમજ અસંમતિ હોવા છતાં સામે પક્ષની ગરિમા જાળવવી જરૂરી છે. કાયદો સ્થિર નથી, પરંતુ તેને અમલમાં મૂકનારા લોકોના વિચારો અને કાર્યો દ્વારા તેનો વિકાસ થાય છે.
સીજેઆઈએ કહ્યું કે કાયદાના શિક્ષણનો વાસ્તવિક હેતુ માત્ર સિદ્ધાંતો વાંચવાનો નથી, પરંતુ વિવિધ પૃષ્ઠભૂમિ અને દ્રષ્ટિકોણને સમજીને તેમની સાથે સંવાદ સાધવાનો છે. વૈચારિક મતભેદો છતાં સંવાદ જાળવી રાખવાથી ન્યાયપ્રણાલી મજબૂત બને છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાના વ્યવસાયિક જીવનમાં પ્રામાણિકતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અને કોઈપણ પ્રલોભન સામે ન ઝૂકવા સલાહ આપી હતી.
- દિવંગત ક્ષાત્રા ઉર્વશી કૃષ્ણાત્રાને શ્રદ્ધાંજલિ
સમારોહ દરમિયાન સીજેઆઈએ એલએલબી પ્રોગ્રામની દિવંગત સ્નાતક ક્ષાત્રા ઉર્વશી કૃષ્ણાત્રાને યાદ કરીને ભાવુક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે દિવંગત છાત્રાના પરિવાર અને મિત્રો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, તેમણે વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ માતા-પિતાના ત્યાગ, પ્રેમ અને યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યોના સમર્પણની પણ પ્રશંસા કરી હતી.


