ઢાકા, 17 ઓક્ટોબર 2026: બાંગ્લાદેશના લોકપ્રિય પ્રવાસન સ્થળ કોક્સ બઝારમાં આવેલા એક દરિયાકિનારાના રિસોર્ટમાં શનિવારે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 9 લોકો ઘાયલ થયા છે.
ઉખિયા પોલીસ સ્ટેશનના વડા મોહમ્મદ અતિકુર રહેમાન મજુમદારના જણાવ્યા અનુસાર, આ ઘટના ઇનાની વિસ્તારમાં મરીન ડ્રાઇવ પર આવેલા પતુઆરટેક બીચ નજીક ‘તુપ્તુપ રેસ્ટો એન્ડ રિસોર્ટ’ (Tuptup Resto & Resort) ખાતે બની હતી. સવારે લગભગ 6:30 વાગ્યે આગ લાગી હતી. ફાયર સર્વિસના પ્રવક્તા તલ્હા બિન જાસિમે બપોરે લગભગ 1:30 વાગ્યે પુષ્ટિ કરી હતી કે આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને અન્ય 9 લોકો ઘાયલ થયા છે.
વાંસ અને લાકડાનું બનેલું હતું ત્રણ માળનું રિસોર્ટ
કોલાટોલીથી લગભગ 29 કિલોમીટર દૂર આવેલું આ ત્રણ માળનું રિસોર્ટ મુખ્યત્વે વાંસ અને લાકડાનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું. આ સામગ્રીઓ અત્યંત જ્વલનશીલ હોવાને કારણે, આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ અને તેણે સમગ્ર ઈમારતને પોતાની લપેટમાં લઈ લીધી.
કોક્સ બઝાર ફાયર સર્વિસના ડેપ્યુટી આસિસ્ટન્ટ ડિરેક્ટર સૈયદ મુહમ્મદ મોર્શેદ હુસૈને જણાવ્યું હતું કે, આગની જ્વાળાઓને કારણે રિસોર્ટનું સમગ્ર માળખું બળીને રાખ થઈ ગયું છે.
રિસોર્ટમાં 30 લોકો હાજર હતા
ઘટના સમયે રિસોર્ટમાં આશરે 30 લોકો હાજર હતા, જેમાંથી માત્ર ચારથી પાંચ લોકો જ સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યા હતા. આ ઘટનામાં ઘાયલ થયેલા નવ લોકોને કોક્સ બજાર સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર સબુકતગીન મહમૂદ સોહેલે જણાવ્યું હતું કે, દાઝી ગયેલા પાંચ દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે પડી જવાથી ઈજાગ્રસ્ત થયેલી એક વ્યક્તિને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી.
વધુ વાંચો: ભોજપુરમાં નદીમાં ડૂબવાની કરુણ ઘટના, બાળકો સહિત ચારનાં મોત


