સુરત, 29 નવેમ્બર, 2026 : Accused arrested with pistol and cartridges શહેર ક્રાઈમ બ્રાન્ચે નાનપુરા વિસ્તારમાં ડક્કા ઓવારા નજીક મકાઈપુલ નીચે તાપી નદીના કિનારેથી પિસ્ટલ અને ત્રણ જીવતા કાર્ટીઝ સાથે રિઢો ગુનેગાર રાકેશ ઉર્ફે રાકેશ કાલીયા ભગવાનભાઈ માળીને દબોચી લીધો છે. મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પીંપરાણા ગામનો વતની અને હાલ સુરતના નવાગામ ડીંડોલી વિસ્તારમાં મજૂરીકામ કરતો આ આરોપી સામે અગાઉ પણ હત્યાનો પ્રયાસ, લૂંટ, ગંભીર ઈજા અને રેમ્બો ચાકુ રાખવા સહિતના અનેક ગુના નોંધાયેલા છે.
શહેરમાં ગેરકાયદેસર હથિયારો સાથે ફરતા ગુનેગારો સામે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં શહેરના નાનપુરા વિસ્તારમાં ડક્કા ઓવારા નજીક મકાઈપુલ નીચે તાપી નદીના કિનારેથી મોજશોખ માટે પોતાની પાસે ગેરકાયદેસર પિસ્તોલ રાખનાર એક રીઢા ગુનેગારને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી એક પિસ્તોલ અને ત્રણ જીવતા કારતૂસ મળી આવતાં પોલીસે હથિયાર જપ્ત કરી તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આરોપીની પૂછતાછ કરતા એવી હકિકત જાણવા મળી છે કે, આરોપીને હથિયાર રાખવાનો શોખ હોવાથી તે લગભગ પંદરેક દિવસ પહેલાં પોતાના વતન મહારાષ્ટ્રના જલગાંવ ગયો હતો. ત્યાં તેણે એક અજાણ્યા શખ્સ પાસેથી ગેરકાયદેસર પિસ્ટલ અને કાર્ટીઝ ખરીદ્યા હતા અને ત્યારબાદ તે હથિયાર પોતાની સાથે લઈને ફરતો હતો. આરોપી લાંબા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હોવાનું રેકોર્ડ પરથી સ્પષ્ટ થાય છે. વર્ષ 2022માં કડોદરા જીઆઈડીસી ખાતે હત્યાના પ્રયાસ અને લીંબાયતમાં લૂંટનો ગુનો તેની સામે નોંધાયો હતો. ત્યારબાદ વર્ષ 2023માં ડીંડોલીમાં રેમ્બો ચાકુ સાથે ઝડપાયો હતો, જ્યારે 2024માં લીંબાયત ખાતે ચાકુ વડે ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો નોંધાયો હતો. વર્ષ 2026માં પણ લીંબાયત વિસ્તારમાં રેમ્બો ચાકુ સાથે તે પકડાઈ ચૂક્યો છે.
આરોપી પાસેથી પિસ્ટલ અને જીવતા કાર્ટીઝ કબજે કરીને તેની સામે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીએ આ હથિયારનો ઉપયોગ કરીને અગાઉ કોઈ ગુનો આચર્યો છે કે કેમ તેમજ તેને ગેરકાયદેસર હથિયાર પૂરું પાડનાર અજાણ્યો શખ્સ કોણ છે, તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.








