રાજકોટ, 29 નવેમ્બર, 2026 : Cattle farmers will be paid Rs. 890 per kg of fat in milk purchase જિલ્લાના પશુપાલકો માટે દૂધ ખરીદીના ભાવમાં વધારો કરાયો છે. રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (રાજકોટ ડેરી) દ્વારા મોંઘા ઘાસચારા અને પશુઆહારના વધતા ખર્ચ વચ્ચે આગામી 1 ડિસેમ્બર, 2026થી દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 20નો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટના ₹890 ચૂકવવામાં આવશે.
રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે પાણીની અછત અને ઘાસચારાના વધતા ખર્ચ વચ્ચે દિવાળી બાદ વધુ એક બોનસ રૂપે દૂધ ઉત્પાદકોને આર્થિક ટેકો મળી રહે તેવા ઉદ્દેશ્યથી પ્રતિ કિલો ફેટના ભાવ રૂપિયા 870થી વધારીને રૂપિયા 890 કરવાનું નક્કી કરાયું છે.
રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ ધામેલીયાએ જણાવ્યું હતું કે, “હાલની પરિસ્થિતિમાં ઘાસચારાની અછત અને પશુઆહારના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે મદદ થવાના ઉદ્દેશ્યથી સંઘના નિયામક મંડળે પ્રતિ કિલો ફેટે રૂપિયા 20નો ભાવ વધારો કર્યો છે. અત્યારે દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂપિયા 870 ચૂકવવામાં આવી રહ્યો છે. હવે રૂપિયા 890 ચુકવાશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આગામી તા. 01-12-2026થી દૂધ સંઘ દ્વારા દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટે રૂપિયા 890 ચૂકવવામાં આવશે અને દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂપિયા 885 ચૂકવશે. આ ભાવ વધારાથી દૂધ સંઘ સાથે જોડાયેલા 50,000થી વધુ દૂધ ઉત્પાદકોને સીધો આર્થિક ફાયદો થશે.








