Homeગુજરાતીગુજરાતસુઈગામ તાલુકાના કોરેટીના ખેડૂતોએ કેનાલમાં પાણી ન મળતા થાળી વગાડી કર્યો વિરોધ

સુઈગામ તાલુકાના કોરેટીના ખેડૂતોએ કેનાલમાં પાણી ન મળતા થાળી વગાડી કર્યો વિરોધ

થરાદ, 29 નવેમ્બર, 2026 : Farmers protest against lack of water in canal જિલ્લાના સુઈગામ તાલકાના કોરેટીની કેનાલમાં પાણી ન છોડાતા રવિ સીઝનના ટાણે જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પીયતની જરૂર છે ત્યારે પાણીના અભાવે રવિપાક મુરઝાઈ રહ્યો છે. કેનાલમાં પાણી છોડવા માટે ખેડૂતોએ અનેકવાર રજુઆતો કરી હોવા છતાંયે તંત્રએ ઉપેક્ષા દાખવતા ખેડૂતોએ કોરી કેનાલમાં ઊભા રહીને થાળી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાણીના અભાવે વાવેતર બગડવાની ભીતિ વચ્ચે પશુધન સાથે હિજરત કરવાની નોબત આવે તેવી ચિંતા વ્યક્ત કરી તંત્ર પાસે તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી છે.

સરહદી વિસ્તાર એવા સુઈગામ તાલુકાના કોરેટી ગામમાં રવિ સિઝન દરમિયાન સિંચાઈ માટે કેનાલનું પાણી ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાણીના અભાવે વાવેતર બગડવાની ભીતિ વચ્ચે ખેડૂતોએ થાળી વગાડી હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તંત્ર સામે તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી હતી.

ખેડૂતોના જણાવ્યા મુજબ રવિ સિઝન માટે મોંઘાદાટ બિયારણ અને ખાતર ખરીદીને પાકની વાવણી કરી દેવામાં આવી છે. આ ખર્ચ પહોંચી વળવા માટે ઘણા ખેડૂતોએ વ્યાજે નાણાં લીધાં છે અને માથે દેવું કર્યું છે. તેમ છતાં ઑક્ટોબરથી આજ દિન સુધી સિંચાઈ માટે પૂરતું પાણી ન મળતાં 400થી 500 એકર જેટલી જમીનમાં રવિપાક મુરઝાઈ રહ્યો છે.

ખેડૂતોના કહેવા મુજબ  અમે વારંવાર રજૂઆતો કરી, પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. અલ-નીનોની અસરથી વરસાદ પણ ઓછો રહ્યો અને હવે પાણી વગર આખું ખેતર કોરું પડ્યું છે. આ વર્ષ કાઢવું બહુ મુશ્કેલ છે. કોરેટીની સીમ વિસ્તારમાં કેનાલમાં પાણી ન છોડાતા આશરે 100થી 150 ખેડૂતો પ્રભાવિત થયા છે. વર્ષ 2015થી પૂરની સ્થિતિ અને ખારાશના કારણે જમીનની સ્થિતિ અંગે પણ ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે જો ચોમાસા બાદ શિયાળુ સિઝન પણ નિષ્ફળ જશે, તો ખેડૂતો અને પશુધન માટે સ્થિતિ વધુ કફોડી બનશે અને પશુઓ સાથે હિજરત કરવાની નોબત આવી શકે છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img