સુરત, 29 નવેમ્બર, 2026 : Thieves cut and stole one km of the BRTS corridor શહેરમાં પુણા વિસ્તારમાં સીતાનગર તરફ જતા માર્ગ પર રેશ્મા સર્કલ પાસે અંદાજે એક કિલોમીટર સુધીના BRTS ડેડિકેટેડ રૂટની ગ્રિલમાંથી વચ્ચેના લોખંડના સળિયા ગેસ કટરથી કાપીને તસ્કરો ઉઠાવી ગયા છે. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં તસ્કરો રાત્રિના સમયે ગેસ કટર લઈને આવે છે અને બેખોફ તથા બિંદાસ્ત રીતે સળિયા કાપીને લઈ જાય છે. આટલી મોટી લંબાઈમાં ગ્રિલના સળિયા કાપી લઈ જવા છતાં સત્તાધિશોએ હજુ સીસીટીવીના કૂટેજ તપાસવાની પણ તસ્દી લીધી નથી.
સુરતના વિવિધ વિસ્તારોને જોડતા BRTS રૂટ પર બસો ટ્રાફિકની અડચણ વિના ઝડપથી દોડી શકે તે માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અલગથી ડેડિકેટેડ કોરિડોર બનાવવામાં આવ્યા છે. અન્ય વાહનો કે રાહદારીઓ કોરિડોરમાં પ્રવેશ ન કરે અને બસોની અવરજવર સુરક્ષિત રહે તે હેતુથી બંને તરફ લોખંડની ગ્રિલ લગાવવામાં આવી છે. જોકે, હવે આ ગ્રિલ જ તસ્કરોના નિશાન પર આવી ગઈ છે. શહેરના પુણા વિસ્તારમાં સીતાનગર તરફ જતા માર્ગ પર રેશ્મા સર્કલ પાસે અંદાજે એક કિલોમીટર સુધીના BRTS ડેડિકેટેડ રૂટની ગ્રિલમાંથી વચ્ચેના લોખંડના સળિયા ગાયબ થઈ ગયા છે. તસ્કરો ગેસ કટરનો ઉપયોગ કરીને ગ્રિલના વચ્ચેના ભાગના લોખંડના સળિયા કાપીને લઈ ગયા છે, જેના પરિણામે ગ્રિલમાં માત્ર ઉપર અને નીચેના આડા ભાગ જ બાકી રહ્યા છે. લાંબા અંતર સુધી ગ્રિલની આવી સ્થિતિ સર્જાતાં સમગ્ર કોરિડોરની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને રાત્રિના સમયે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ માટે મોટું જોખમ ઊભું થઈ શકે છે. ગ્રિલ ખુલ્લી થઈ જવાથી રખડતા પશુઓ સરળતાથી BRTS કોરિડોરમાં પ્રવેશી શકે છે.
શહેરમાં BRTS કોરીડોરના લોખંડના ગ્રીલની ચોરીની આ કોઈ પહેલી ઘટના નથી કે, BRTS રૂટની ગ્રિલને નુકસાન પહોંચાડીને લોખંડની ચોરી કરવામાં આવી હોય. અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવ્યા બાદ મ્યુનિ. દ્વારા ગ્રિલ બદલવામાં આવી હતી, પરંતુ નવી ગ્રિલ લગાવ્યા બાદ પણ સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. સ્થાનિકોના આક્ષેપ મુજબ તસ્કરો રાત્રિના સમયે ગેસ કટર લઈને આવે છે અને બેખોફ તથા બિંદાસ્ત રીતે સળિયા કાપીને લઈ જાય છે. આટલી મોટી લંબાઈમાં ગ્રિલના સળિયા કાપી લઈ જવા છતાં ન તો પોલીસનું ધ્યાન પડે છે, ન તો પાલિકાનું કે ન તો CCTVમાં આ હરકતો ઝડપાય છે, જે મોટી અચરજની બાબત છે.








