સુરત, 29 નવેમ્બર, 2026 : Pal Aquarium now a private agency on PPP basis શહેરના રાંદેર ઝોનમાં મ્યુનિ.કોર્પોરેશને 12 વર્ષ પહેલા કરોડો રૂપિયાના ખર્ચે એક્વેરિયમ બનાવીને જગદીશચંદ્ર બોઝ એક્વેરિયમ નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ છેલ્લા દોઢ વર્ષથી એક્વેરિયમ બંધ હાલતમાં છે. હવે મ્યુનિના સત્તાધિશો દ્વારા જગદીશચંદ્ર બોઝ એક્વેરિયમને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડ પર ખાનગી એજન્સીને હવાલે કરી દેવામાં આવશે. મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં મંજુરી આપી દેવામાં આવી છે. જોકે એક્વેરિયમ જર્જરિત હોવાથી હવે આગામી એક વર્ષમાં રિનોવેશન બાદ ફરીથી મુલાકાતીઓ માટે ખુલ્લું મુકાશે. ખાનગીકરણ છતાં ટિકિટના દરમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં વર્ષ 2014માં રૂપિયા 20 કરોડના ખર્ચે દેશનું પ્રથમ મલ્ટિડિસિપ્લિનરી અંડરવોટર એક્વેરિયમ ખુલ્લું મુકાયું હતું. જોકે, માત્ર 11 જ વર્ષમાં ખારા પાણી અને ભેજની અસરથી કોંક્રિટના સળિયામાં કાટ લાગતા સ્ટ્રક્ચરલ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. લીકેજ રોકવા અને ઉચ્ચ ગુણવત્તાનું વોટરપ્રૂફિંગ કરવા માટે લગભગ દોઢ વર્ષ પહેલા આ એક્વેરિયમ બંધ કરવાની ફરજ પડી હતી. અગાઉ એકવાર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી, પરંતુ સિંગલ ટેન્ડર આવતા તે દફતરે કરાયું હતું. હવે બીજા પ્રયાસમાં એકમાત્ર ક્વોલિફાઇડ એજન્સીને પીપીપી ધોરણે સોંપવાનો નિર્ણય લેવાયો છે. ખાનગી એજન્સીને સંચાલન સોંપ્યા બાદ ટિકિટ મોંઘી થવાની જે આશંકા સેવાઈ રહી હતી તેના પર પૂર્ણવિરામ મુકાયું છે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મુજબ ટિકિટના વર્તમાન દરમાં કોઈ જ વધારો કરવામાં આવશે નહીં. અગાઉ મુલાકાતીઓ માટે પુખ્ત વયના રૂ. 100, બાળકો માટે રૂ. 40, સિનિયર સિટીઝન માટે રૂ. 60 અને મનપા સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ માટે માત્ર રૂ. 20 ટિકિટ દર નક્કી હતા, જે યથાવત રહેશે.
મ્યુનિના સૂત્રોએ જણાવ્યું હતું કે, એક્વેરિયમ બંધ હોવા છતાં તેમાં રહેલા જળચર જીવોની જાળવણી પાછળ પાલિકાને દોઢ વર્ષમાં અંદાજે 2.55 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો, જ્યારે આવક શૂન્ય હતી. આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે, આજ રોજ સ્થાયી સમિતિની બેઠકમાં પીપીપી મોડ પર એક્વેરિયમને મંજૂરી આપી છે. જ્યારથી આ એક્વેરિયમ બંધ કર્યું છે ત્યારથી એક્વેટિક જીવોને સાચવવા પાલિકા ખર્ચ કરતી હતી, પરંતુ આજની મંજૂરી બાદ હવે આ જવાબદારી ઈજારદારની રહેશે અને કોર્પોરેશન માથેથી આ ખર્ચ દૂર થશે.
મ્યુનિએ કરેલા કરાર મુજબ એજન્સીને 15 વર્ષ માટે કુલ રૂ. 52 લાખ (સરેરાશ વાર્ષિક રૂ. 3.46 લાખ) અને વધુ 5 વર્ષના સંભવિત એક્સટેન્શન સાથે કુલ 20 વર્ષ માટે રૂ. 75 લાખના પ્રીમિયમે કામ ફાળવાયું છે. વાર્ષિક પ્રીમિયમ મોડલ હેઠળ પ્રથમ વર્ષે રૂ. 2.61 લાખ, 2થી 5 વર્ષ માટે વાર્ષિક રૂ. 3.01 લાખ, 6થી 10 વર્ષ માટે વાર્ષિક રૂ. 3.47 લાખ અને 10થી 15 વર્ષ માટે વાર્ષિક રૂ. 4 લાખ પ્રીમિયમ નક્કી કરાયું છે. આ નિર્ણયથી આસપાસના નાના વેપારીઓની રોજીરોટી ફરી ધમધમતી થશે અને વિદ્યાર્થીઓ તેમજ પર્યટકોને આકર્ષક નજરાણું મળશે.








