નવી દિલ્હી, 13 નવેમ્બર 2026: દુનિયાભરમાં જનરેશન-ઝેડ (Gen-Z) યુવાનોને લઈને આવેલા તાજેતરના ૩ મોટા સર્વેએ વિશ્વના અનેક દેશોની ચિંતા વધારી દીધી છે. આ તમામ સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઝેન-ઝેડ યુવાનો પોતાના દેશ માટે ન તો હથિયાર ઉપાડવા માંગે છે અને ન તો યુદ્ધ લડવા તૈયાર છે. તાજેતરનો સર્વે બ્રિટનને લઈને છે, જ્યાં માત્ર 11 ટકા યુવાનોએ દેશ માટે યુદ્ધ લડવાની ઈચ્છા દર્શાવી છે. ખાસ વાત એ છે કે છેલ્લા બે વર્ષમાં આ યુવાનોના આક્રમક વિરોધ પ્રદર્શનોને કારણે 5 દેશોની સરકારો ધરાશાયી થઈ ચૂકી છે અને 3 દેશોમાં મોટા રાજકીય ફેરફારો જોવા મળ્યા છે.
બ્રિટનનો ટાઈમ્સ મેગેઝિન સર્વે: ટાઈમ્સ મેગેઝિનમાં પ્રકાશિત સર્વે રિપોર્ટ અનુસાર, બ્રિટનના 41 ટકા ઝેન-ઝેડ યુવાનોએ સ્પષ્ટપણે યુદ્ધ લડવાનો ઇનકાર કરી દીધો છે. આ યુવાનોનું કહેવુ છે કે તેઓ કોઈપણ સંજોગોમાં દેશ માટે યુદ્ધ નહીં લડે. 15 ટકા યુવાનોએ આ સવાલનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે 13 ટકાએ પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવાનું કહ્યું હતું. આશ્ચર્યજનક રીતે, માત્ર 11 ટકા યુવાનોએ જ કહ્યું કે તેઓ દેશ માટે યુદ્ધ લડવા અને હથિયાર ઉઠાવવા તૈયાર છે.
ફોરેન પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટનો નાટો દેશોનો સર્વે: સપ્ટેમ્બર 2026 માં ફોરેન પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ દ્વારા નાટો દેશોમાં રહેતા ઝેન-ઝેડ યુવાનો પર એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં સામેલ માત્ર 45 ટકા યુવાનોએ સેનામાં જોડાવાની વાત કરી હતી. જોકે, તુર્કીના સૌથી વધુ 80 ટકા યુવાનોએ સેનામાં જવાની તૈયારી દર્શાવી હતી, જ્યારે તેની સામે ઇટાલીના માત્ર 25 ટકા યુવાનોએ જ દેશ માટે યુદ્ધ લડવાની તૈયારી બતાવી હતી.
શ્રીલંકા અને જર્મનીના સર્વે આંકડા: દક્ષિણ એશિયાના દેશ શ્રીલંકાને લઈને આ વર્ષના મે મહિનામાં એક સર્વે રિપોર્ટ પ્રકાશિત થયો હતો, જેમાં 53 ટકા યુવાનોએ દેશ છોડીને વિદેશ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેવી જ રીતે, જર્મનીમાં પણ ઝેન-ઝેડ યુવાનો પર થયેલા સર્વેમાં માત્ર ૨૯ ટકા યુવાનોએ જ યુદ્ધ લડવાની વાત સ્વીકારી હતી.
દુનિયા માટે શા માટે મહત્ત્વપૂર્ણ છે Gen-Z?
તાજેતરના વર્ષોમાં પોતાના વિરોધ આંદોલનો અને અનોખા અંદાજને લઈને ઝેન-ઝેડ યુવાનો દુનિયાભરમાં ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. આ જ યુવાનોના આંદોલનને કારણે બાંગ્લાદેશ, શ્રીલંકા, મેડાગાસ્કર અને સર્બિયા જેવા દેશોમાં સત્તાપલટો થઈ ચૂક્યો છે, જ્યારે ફ્રાન્સ અને બ્રિટન જેવા વિકસિત દેશોમાં મોટા સુધારાઓની જાહેરાત કરવી પડી છે. વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ મુજબ, હાલમાં દુનિયામાં ઝેન-ઝેડ યુવાનોની વસ્તી ૨૦૪ કરોડ છે, જ્યારે વૈશ્વિક વસ્તી 830 કરોડ છે. એટલે કે, કુલ વસ્તીના અંદાજે 30 ટકા હિસ્સો જનરેશન-ઝેડ યુવાનોનો છે, જે વૈશ્વિક ભવિષ્ય માટે એક મોટો વળાંક સાબિત થઈ શકે છે.








