Homeગુજરાતીદેશ-વિદેશજમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ લશ્કરના બે આતંકીઓને ઠાર માર્યાં

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ લશ્કરના બે આતંકીઓને ઠાર માર્યાં

શ્રીનગર, 16 નવેમ્બર 2026: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોને આતંકવાદ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મળી છે. દક્ષિણ કાશ્મીરના લારૂ વિસ્તારમાં થયેલી અથડામણ દરમિયાન લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કરનો ટોચનો કમાન્ડર મોહમ્મદ લતીફ ભટ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ અને અન્ય સુરક્ષાદળોના સંયુક્ત ઓપરેશનમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર 11 નવેમ્બરના રોજ કુલગામના અખરાન વિસ્તારમાં આતંકવાદીઓએ CRPF ની નાકા પાર્ટીને નિશાન બનાવી હતી. બપોરે થયેલા આ અંધાધૂંધ ગોળીબારમાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા, જ્યારે હુમલાખોરો ગાઢ વૃક્ષો અને ઝાડીઓનો ફાયદો ઉઠાવીને ફરાર થઈ ગયા હતા. તપાસ દરમિયાન ઘાયલ જવાનોને આતંકી મોહમ્મદ લતીફ ભટની તસવીર બતાવવામાં આવતા તેમણે હુમલાખોરોમાંના એક તરીકે તેની ઓળખ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, કુલગામનો રહેવાસી લતીફ ભટ ખીણમાં સક્રિય રહેલા છેલ્લા સ્થાનિક આતંકીઓમાં સામેલ હતો અને તેના પર દક્ષિણ કાશ્મીરમાં અગાઉ પણ અનેક હુમલાઓ કરવાનો આરોપ હતો.

કુલગામ હુમલા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે. CRPF ના જમ્મુ-કાશ્મીર ઝોનના સ્પેશિયલ ડીજી સંદીપ ખિરવારે જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને સુરક્ષાદળોનું અભિયાન આગળ પણ ચાલુ રહેશે. તેમણે કહ્યું હતું કે, “અમને કેટલાક મહત્વપૂર્ણ સુરાગ અને ગુપ્ત માહિતી મળી છે, જેના આધારે અમને આશા છે કે અમે આ અભિયાનને તેના તાર્કિક અંજામ સુધી પહોંચાડી શકીશું.”* આ સાથે જ તેમણે જવાનોને ઓપરેશનલ શિસ્ત જાળવી રાખવા, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું ચુસ્તપણે પાલન કરવા અને સંપૂર્ણ સતર્ક રહેવા નિર્દેશ આપ્યા છે.

  • ઘાયલ જવાનોની હાલત સુધારા પર, મેડિકલ ટીમની પ્રશંસા

સ્પેશિયલ ડીજી સંદીપ ખિરવારે હુમલામાં ઘાયલ થયેલા જવાનોના સ્વાસ્થ્ય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ભગવાનની કૃપાથી તમામ જવાનોની તબિયત હવે સારી છે. તેમણે તબીબી અધિકારીઓની કામગીરીની પ્રશંસા કરતા ઉમેર્યું હતું કે, “જવાનોની તબિયતમાં સુધારાનો શ્રેય મેડિકલ અધિકારીઓને પણ જાય છે, જેમણે ઘાયલ જવાનોને તાત્કાલિક અસરથી અત્યંત ઉત્તમ સારવાર અને દેખરેખ પૂરી પાડી હતી.”

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img