Homeગુજરાતીદેશ-વિદેશ1 ટ્રિલિયન ડોલરના નિકાસ લક્ષ્ય તરફ ભારત અગ્રેસર, ઓક્ટોબરમાં 90 અબજ ડોલરની...

1 ટ્રિલિયન ડોલરના નિકાસ લક્ષ્ય તરફ ભારત અગ્રેસર, ઓક્ટોબરમાં 90 અબજ ડોલરની નિકાસ: પિયુષ ગોયલ

નવી દિલ્હી, 27 નવેમ્બર 2026: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે શુક્રવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત ચાલુ નાણાકીય વર્ષમાં 1 ટ્રિલિયન ડોલરના મહત્વાકાંક્ષી નિકાસ લક્ષ્યને હાંસલ કરવાની સાચી દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે મે મહિનામાં જ્યારે આ લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું, ત્યારે તે અશક્ય અને અત્યંત મોટું લાગતું હતું, પરંતુ વર્ષના શરૂઆતના સાત મહિનામાં જ દેશની નિકાસ 570 અબજ ડોલરના આંકડા સુધી પહોંચી ગઈ છે. ‘ઇન્ડિયા ડેટ કેપિટલ માર્કેટ સમિટ 2026’ને સંબોધતા ગોયલે દેશની મજબૂત આર્થિક સ્થિતિ, નીતિગત સુધારા અને ‘વિકસિત ભારત 2047’ના વિઝન પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો.

આર્થિક આંકડાઓનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ભારતે 7.8 ટકાનો જીડીપી વિકાસ દર નોંધાવ્યો છે અને બીજા ક્વાર્ટરમાં પણ આ જ ગતિ જાળવી રાખવાના માર્ગ પર છે. આ ઉપરાંત ‘ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન’ (સકળ સ્થિર મૂડી નિર્માણ)માં લગભગ 12 ટકાનો વધારો થયો છે, જ્યારે આશરે 19 ટકાની ક્રેડિટ ગ્રોથ (ધિરાણ વૃદ્ધિ) ડેટ માર્કેટ માટે અત્યંત સકારાત્મક સંકેત છે.

ગોયલે ભારપૂર્વક જણાવ્યું હતું કે બે મોટા યુદ્ધો, કાચા તેલના ભાવમાં ઉતાર-ચઢાવ, ટેરિફ અને વૈશ્વિક વેપાર સંબંધિત અનિશ્ચિતતાઓ, દરિયાઈ માર્ગોની અડચણો તથા હવાઈ મુસાફરીને અસર કરતા છૂટાછવાયા હુમલા છતાં ભારતીય અર્થતંત્રે નોંધપાત્ર મજબૂતી દર્શાવી છે. આ કપરી પરિસ્થિતિઓ વચ્ચે પણ વિશ્વનો ભરોસો ભારતની વિકાસગાથા પર કાયમ રહ્યો અને દેશે આ વિશ્વાસને સાચો ઠેરવ્યો છે.

ઓક્ટોબરમાં વિક્રમી GST સંગ્રહ અને 90 અબજ ડોલરની નિકાસ

વાણિજ્ય મંત્રીએ કહ્યું કે સરકારે પ્રક્રિયાઓને સરળ બનાવવા, નવી નીતિઓ લાગુ કરવા અને ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ને પ્રોત્સાહન આપવાની સાથે ઉદ્યોગ જગત માટે ‘ઓપન-ડોર પોલિસી’ જાળવી રાખી છે. તેમણે માહિતી આપી હતી કે GST વ્યવસ્થામાં સુધારા અને ટેક્સના દરોમાં ઘટાડાથી સ્થાનિક વપરાશ (કન્ઝમ્પશન)ને મોટું પ્રોત્સાહન મળ્યું છે. તેની સીધી અસર એ થઈ છે કે GST કલેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે અને ઓક્ટોબર મહિનામાં તે અત્યાર સુધીના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. આ જ રીતે, ઓક્ટોબરમાં દેશની નિકાસે પણ નવો કીર્તિમાન સ્થાપિત કરતા એક જ મહિનામાં ૯૦ અબજ ડોલરનો આંકડો પાર કર્યો છે.

‘વિકસિત ભારત 2047’ અને ડેટ માર્કેટનું વધતું મહત્ત્વ

ભવિષ્યની યોજનાઓ અંગે વાત કરતા ગોયલે જણાવ્યું હતું કે સરકાર આગામી ૨૦થી ૨૫ વર્ષના દીર્ઘકાલીન લક્ષ્યને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે. તેમાં ‘વિકસિત ભારત 2047’નો સંકલ્પ સામેલ છે, જેનો ઉદ્દેશ્ય ભારતને 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનો અને દેશમાં જન્મ લેતા પ્રત્યેક બાળકને બહેતર જીવનધોરણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, આરોગ્ય સુવિધાઓ અને આગળ વધવાની સમાન તકો પૂરી પાડવાનો છે.

આંતરરાષ્ટ્રીય વેપાર અંગે તેમણે કહ્યું કે વિશ્વના દેશો સાથે ભારતની વિશ્વસનીય ભાગીદારી વિવિધ મુક્ત વેપાર કરારો, દ્વિપક્ષીય અને પ્રેફરન્શિયલ કરારોનો મુખ્ય આધાર રહી છે. અંતમાં, મૂડી બજારની ભૂમિકાને મહત્ત્વપૂર્ણ ગણાવતા તેમણે કહ્યું કે આગામી વર્ષોમાં તે ખાનગી મૂડી રોકાણનો એક મુખ્ય સ્ત્રોત બનીને ઊભરશે અને વૈશ્વિક બોન્ડ સૂચકાંકોમાં ભારતના સમાવેશથી દેશના ડેટ માર્કેટના વિસ્તરણને નવી ગતિ મળશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img