નવી દિલ્હી, 27 નવેમ્બર 2027: ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે શુક્રવારે વૈશ્વિક વેપાર, ઊર્જા સુરક્ષા અને કનેક્ટિવિટી માટે હિંદ મહાસાગરના વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હિંદ મહાસાગરને શાંતિપૂર્ણ, સ્થિર અને સુરક્ષિત રાખવા માટે આ ક્ષેત્રના તમામ દેશોએ સાથે મળીને કામ કરવું અત્યંત જરૂરી છે. નવી દિલ્હી ખાતે આયોજિત ‘ઇન્ડિયન ઓશન રિમ એસોસિએશન’ ની 25મી મંત્રી પરિષદની બેઠકને સંબોધતા વિદેશ મંત્રીએ કહ્યું કે, હિંદ મહાસાગર આ ક્ષેત્ર અને તેની બહારના દેશોના આર્થિક તથા વ્યૂહાત્મક હિતોના કેન્દ્રમાં છે. તેમણે ઉમેર્યું, “હિંદ મહાસાગર વૈશ્વિક વેપાર, ઊર્જા સુરક્ષા, કનેક્ટિવિટી અને સમૃદ્ધિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ક્ષેત્ર શાંતિપૂર્ણ, સ્થિર અને સુરક્ષિત બની રહે તે સુનિશ્ચિત કરવું આપણી સામૂહિક જવાબદારી છે.”
પ્રાદેશિક સહયોગ પ્રત્યે ભારતના અભિગમને સ્પષ્ટ કરતા જયશંકરે દેશના ‘મહાસાગર’વિઝનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ વિઝન ભારતની અગાઉની ‘સાગર’ પહેલ પર આધારિત છે, જે પોતાના દરિયાઈ પડોશી દેશો સાથે ખભેખભા મિલાવીને કામ કરવાની નવી દિલ્હીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વિદેશ મંત્રીએ IORA ને પોતાનો સામૂહિક અવાજ મજબૂત કરવા અને ઉભરતા પડકારોનો સામનો કરવા પરસ્પર સહયોગ વધારવા હાકલ કરી હતી. તેમણે માહિતી આપી કે, 2025-2027 માટે ભારતની અધ્યક્ષતા “હિંદ મહાસાગર ક્ષેત્રમાં નવીનતા, ખુલ્લાપણું, સ્થિતિસ્થાપકતા અને અનુકૂલન ક્ષમતા”ની થીમ પર કેન્દ્રિત રહેશે. બદલાતા ભૂ-રાજકીય અને આર્થિક ઘટનાક્રમો પ્રત્યે સંવેદનશીલ રહીને હિંદ મહાસાગરને રચનાત્મક જોડાણનું કેન્દ્ર બનાવી રાખવું જરૂરી છે. ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં 23 સભ્ય દેશો અને 12 સંવાદ ભાગીદારોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.
ભારતની અધ્યક્ષતાથી સંગઠનના સંસ્થાકીય માળખાને મજબૂત કરવા અને દરિયાઈ સુરક્ષા, વેપાર, રોકાણ તથા ટકાઉ વિકાસ જેવા ક્ષેત્રોમાં સહયોગ ગાઢ બનાવવાની તક મળી છે. બીજી તરફ, શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિથા હેરાથે IORA ના કાર્યોને આગળ વધારવા માટે ભારત અને મોરેશિયસને કોલંબો તરફથી સંપૂર્ણ સમર્થન આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે શ્રીલંકા પ્રાદેશિક સહયોગ મજબૂત કરવા બંને દેશો સાથે મળીને કામ કરશે.








