Homeગુજરાતીદેશ-વિદેશભારતઃ આગામી બે દાયકામાં વીજ ક્ષેત્રે રૂ. 200 લાખ કરોડના રોકાણની સંભાવના

ભારતઃ આગામી બે દાયકામાં વીજ ક્ષેત્રે રૂ. 200 લાખ કરોડના રોકાણની સંભાવના

નવી દિલ્હી, 27 નવેમ્બર 2026: ઊર્જા મંત્રીઓનું બે દિવસીય સંમેલન 27 નવેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે શરૂ થયું છે. 27-28 નવેમ્બર, 2026 દરમિયાન યોજાઈ રહેલા આ સંમેલનમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના ઊર્જા મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને વીજ નિયમનકારો ભાગ લઈ રહ્યા છે. સંમેલનની અધ્યક્ષતા કેન્દ્રીય ઊર્જા તેમજ આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ કરી રહ્યા છે. અગાઉ આ સંમેલન વર્ષ 2024માં યોજાયું હતું. સંમેલનમાં ભારતના વીજ ક્ષેત્રની મુખ્ય નીતિગત પ્રાથમિકતાઓ, તેના અમલીકરણ સંબંધિત પડકારો, ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા, વીજ માળખાના વિસ્તરણ અને ક્ષેત્રીય સુધારાને વેગ આપવા અંગે કેન્દ્ર તથા રાજ્યો વચ્ચે વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યો છે.

મનોહર લાલે સંમેલનમાં સહભાગી થયેલા રાજ્યોના ઊર્જા મંત્રીઓ અને અન્ય મહાનુભાવોનું સ્વાગત કરતાં વીજ ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન સાધીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે ભારતે વીજ ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણ, નવીનીકરણીય ઊર્જાના એકીકરણ અને રાષ્ટ્રીય ગ્રીડને મજબૂત કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. વિકાસ યાત્રાના આગામી તબક્કામાં વીજ ક્ષેત્રનું આયોજન કરવા માટે વધુ સંકલિત અભિગમ અપનાવવાની આવશ્યકતા છે, જેમાં વીજ ઉત્પાદન, ઊર્જા સંગ્રહ, ટ્રાન્સમિશન અને વિતરણને એક જ વ્યવસ્થાના પરસ્પર જોડાયેલા ઘટકો તરીકે ધ્યાનમાં રાખીને યોજનાઓ ઘડવામાં આવે. તેમણે રાજ્યોને સ્માર્ટ મીટર લગાવવા પર ભાર મૂકતાં કહ્યું કે તેનાથી ગ્રાહકોને અનેક મહત્ત્વપૂર્ણ લાભ મળશે. તેમણે માહિતી આપી કે રાજ્યોના સહયોગ અને ઊર્જા મંત્રાલયની વિવિધ પહેલોના પરિણામે વીજ વિતરણ કંપનીઓ (ડિસ્કોમ) લાંબા સમય બાદ નફાની સ્થિતિમાં આવી છે.

મંત્રી મનોહર લાલે જણાવ્યું કે દેશના વીજ ક્ષેત્રમાં આગામી બે દાયકા દરમિયાન રૂ. 200 લાખ કરોડના રોકાણની સંભાવના રહેલી છે. આ લક્ષ્યાંકને સાકાર કરવા માટે તમામ હિતધારકોએ સામૂહિક રીતે પ્રયાસ કરવા પડશે. તેમણે કહ્યું કે આ મહત્ત્વાકાંક્ષી લક્ષ્યને પૂર્ણ કરવા માટે ખાનગી ક્ષેત્ર સાથે પણ સહયોગ વધારવાની જરૂર છે.

  • ડિસ્કોમની નાણાકીય સ્થિતિ મજબૂત કરવા પર ભાર

મનોહર લાલે રાજ્યો અને ડિસ્કોમની પ્રશંસા કરતાં કહ્યું કે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન તમામ ડિસ્કોમે સામૂહિક રીતે કર-પશ્ચાત નફો નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે એ સુનિશ્ચિત કરવું પડશે કે ડિસ્કોમની નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બને તથા નીતિઓ, કામગીરી અને નિયમનમાં જરૂરી ફેરફારો મારફતે આ સકારાત્મક પરિવર્તનને સતત જાળવી રાખી શકાય. મંત્રી મનોહર લાલે સંમેલનના મુખ્ય એજન્ડાની વિગતો આપતાં જણાવ્યું કે તેમાં ઊર્જા મંત્રાલય, રાજ્યો અને અન્ય હિતધારકો વચ્ચે વિવિધ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર સંવાદ અને વિસ્તૃત ચર્ચા થશે. તેમાં ઊર્જા સંગ્રહ ક્ષમતામાં ઝડપ લાવવા સહિત રિસોર્સ એડેક્વસી યોજનાઓનું અમલીકરણ, આંતરરાજ્ય અને રાજ્યની અંદરના ટ્રાન્સમિશન સંબંધિત મુદ્દાઓ, વીજ વિતરણ કંપનીઓ (ડિસ્કોમ)ની નાણાકીય વ્યવહાર, પુનર્ગઠિત વિતરણ ક્ષેત્ર યોજનાનું અમલીકરણ તેમજ સ્માર્ટ મીટર લગાવવા, ફીડર સેપરેશન અને ઘરો સુધી વીજળી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવશે. આ ઉપરાંત પરમાણુ ઊર્જા સ્થળો સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.

કેન્દ્રીય ઊર્જા રાજ્ય મંત્રી શ્રીપાદ યેસો નાઇકે ભાગ લઈ રહેલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સંમેલન દરમિયાન પોતાના અનુભવો શેર કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે અમલીકરણ સંબંધિત મુશ્કેલીઓ, નિયમનકારી બાબતો અને એવા ક્ષેત્રો પર ચર્ચા થવી જોઈએ, જ્યાં કેન્દ્ર સરકાર તરફથી વધારાના સહયોગ અથવા હસ્તક્ષેપની જરૂરિયાત ઊભી થઈ શકે. તેમણે જણાવ્યું કે સામૂહિક ધ્યાન નીતિઓ ઘડવાથી આગળ વધીને તેના અસરકારક અમલીકરણ, માળખાગત સુવિધાના નિર્માણથી આગળ વધીને માપી શકાય તેવા પરિણામો મેળવવા તથા છૂટીછવાઈ પહેલોથી આગળ વધીને સંકલિત અને ટકાઉ વીજ ક્ષેત્રના વિકાસ પર હોવું જોઈએ.

  • 563 ગીગાવોટ પહોંચી ભારતની સ્થાપિત વીજ ક્ષમતા

ઊર્જા મંત્રાલયના સચિવ પંકજ અગ્રવાલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ના લક્ષ્યને પૂર્ણ કરવા માટે ઊર્જા સુરક્ષાથી આગળ વધીને વાસ્તવિક ઊર્જા આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધવું પડશે. તેમણે કહ્યું કે ગત વર્ષ રેકોર્ડ વૃદ્ધિનું વર્ષ રહ્યું છે. ભારતની કુલ સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા હવે આશરે 563 ગીગાવોટ થઈ ગઈ છે, જેમાં 55 ટકાથી વધુ ક્ષમતા બિન-અશ્મિભૂત સ્રોતો પર આધારિત છે. તેમણે માહિતી આપી કે છેલ્લા 12 મહિનામાં આશરે 60 ગીગાવોટ નવી ક્ષમતા ઉમેરવામાં આવી છે, જેમાંથી 87 ટકા ક્ષમતા બિન-અશ્મિભૂત સ્રોતોમાંથી પ્રાપ્ત થઈ છે. 28 નવેમ્બરના રોજ યોજાનારા મુખ્ય સત્રોમાં નિયમનકારી મંચ અને રાજ્ય વીજ નિયમનકારી પંચો સાથે સંયુક્ત સત્રનો સમાવેશ થશે. તેમાં રાજ્યના ઊર્જા મંત્રીઓ, SERCના અધ્યક્ષો, રાજ્યોના વીજ અને ઊર્જા સચિવો તથા મંત્રાલયના અધિકારીઓ વીજ ક્ષેત્ર સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરશે.

સંમેલનમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, છત્તીસગઢ, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, રાજસ્થાન, બિહાર અને ઝારખંડના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી, ચંદીગઢ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પુડુચેરી, અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ, લક્ષદ્વીપ તથા દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના પ્રતિનિધિઓ પણ સંમેલનમાં જોડાયા છે. ઊર્જા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના અન્ય પ્રતિનિધિઓ પણ સંમેલનમાં ઉપસ્થિત છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img