Homeગુજરાતીદેશ-વિદેશદિલ્હીમાં જૈશનો આતંકી ઝડપાયો, વડોદરામાંથી પકડેલા ત્રાસવાદી સાથે કનેક્શનની તપાસ

દિલ્હીમાં જૈશનો આતંકી ઝડપાયો, વડોદરામાંથી પકડેલા ત્રાસવાદી સાથે કનેક્શનની તપાસ

નવી દિલ્હી, 28 નવેમ્બર 2026: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાની શંકાના આધારે એક વ્યક્તિની ધરપકડ કરી છે. સુરક્ષા એજન્સીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ આતંકીની સોશિયલ મીડિયા ગતિવિધિઓ પર લાંબા સમયથી બાજ નજર રાખવામાં આવી રહી હતી. પ્રાથમિક પૂછપરછ બાદ થોડા દિવસો પહેલાં જ તેની અટકાયત કરી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ હવે આરોપીને રિમાન્ડ પર લઈને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરશે.

તપાસ દરમિયાન સામે આવેલી પ્રાથમિક માહિતી મુજબ, પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે યુવાનોનું બ્રેઈનવોશ કરવા અને તેમની ભરતી કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહી છે. દિલ્હીથી ઝડપાયેલા આ શંકાસ્પદની ભરતી પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જ કરવામાં આવી હોવાના મજબૂત સંકેતો મળ્યા છે.

હવે તપાસ એજન્સીઓ એ દિશામાં તપાસ તેજ કરી રહી છે કે દિલ્હીથી પકડાયેલા શંકાસ્પદનો ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા આતંકી સાથે કોઈ સીધો સંબંધ છે કે કેમ. ગુજરાત એટીએસએ ગત 27 નવેમ્બરના રોજ વડોદરામાંથી જૈશ-એ-મોહમ્મદના એક શંકાસ્પદ આતંકીની ધરપકડ કરી હતી. વડોદરામાંથી ઝડપાયેલા શંકાસ્પદ પાસેથી સુરક્ષા એજન્સીઓએ એક AK-47 રાઈફલ અને 23 જીવતા કારતૂસ પણ જપ્ત કર્યા હતા. બંને રાજ્યોની સુરક્ષા એજન્સીઓ હવે સંયુક્ત રીતે આ બંને શંકાસ્પદો વચ્ચેના નેટવર્ક, હેન્ડલર્સ અને તેમના આગામી નાપાક ઈરાદાઓ અંગે તપાસ ચલાવી રહી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img