સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ચાર રાજ્યોમાં થયેલ કોરોના વેક્સીનનો ડ્રાય રન રહ્યો સફળ
- કોરોના વેક્સિન આપતા પહેલા કરાયું ડ્રાય રન
 - ચાર રાજ્યોમાં કરવામાં આવ્યું વેક્સીનનું ડ્રાય રન
 - કોરોના વેક્સીન ડ્રાય રન રહ્યો સફળ-સ્વાસ્થ્ય મંત્રાલય
 
જલંધર: કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું હતું કે, કોવિડ -19 વેક્સીનેશન માટે ચાર રાજ્યોમાં 28 અને 29 ડિસેમ્બરના રોજ થયેલ ડ્રાય રન સફળ રહ્યો છે. આ ડ્રાય રન ચાર રાજ્યો અસમ,આંધ્રપ્રદેશ, પંજાબ અને ગુજરાતમાં કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત વેક્સીનેશન માટેની તમામ પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું, જેને કોરોના મહામારી સામે વેક્સીનેશન અભિયાનની મોકડ્રીલ પણ કહેવામાં આવી રહ્યું છે.
ડ્રાય રન અભિયાનના ભાગ રૂપે દેશમાં કોવિડ -19 વેક્સીનેશન પ્રક્રિયા દરમિયાન અપનાવવામાં આવતી યોજનાઓ અને તૈયારીઓ સાથે વેક્સીનેશન કેન્દ્રની સુવિધાઓ, ઓનલાઇન ડેટા સંગ્રહ, કો-વિન મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ અને વેક્સીનેશન ટીમની તૈયારી જેવી બાબતોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આમાં વેક્સીનનો ઉપયોગ કરનાર વ્યક્તિના ડેટા અપલોડ કરવા,તેના સ્વાસ્થ્યની તપાસ કરવી અને તેના અપડેટ્સ લેવા પણ સામેલ છે.
તેનો ઉદ્દેશ વેક્સીન આવે તે પહેલાં હેલ્થ વર્કર્સ અને સંબંધિત અધિકારીઓને વેક્સીનેશન માટે સંપૂર્ણ રીતે તૈયાર કરવાનો હતો. ડ્રાય રનની જવાબદારી જિલ્લા અને બ્લોક કક્ષાની ટીમની સાથે મળી જિલ્લાઅધિકારી પર હતી. કારણકે, જયારથી વેક્સીનેશનની પ્રક્રિયા શરૂ થાય ત્યારે તે સમયગાળા દરમિયાન કોઈ અછત ન સર્જાય.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આ બે દિવસીય ડ્રાય રન આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લા, ગુજરાતના રાજકોટ અને ગાંધીનગર, પંજાબના લુધિયાણા અને શહીદ ભગતસિંહ નગર અને અસમના સોનિતપુર અને નલબારી જિલ્લામાં કરવામાં આવ્યું હતું. આ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ટીમો બનાવવામાં આવી હતી,જે લાભાર્થીઓના ડમી ડેટા અપલોડ કરવા,સેશન સાઇટ્સ બનાવવી, વેક્સીન ફાળવવા અને વેક્સીનેશન માટે વેક્સીન લેતા લોકો સાથે વાતચીત જેવી પ્રકિયાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
મંત્રાલયે કહ્યું કે સ્વાસ્થ્ય વિભાગના સયુંકત સચિવએ પહેલા દિવસના ડ્રાય રનનો 29 ડીસેમ્બરના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફીલ્ડ ફીડબેક લીધો હતો. તમામ રાજ્યોએ ડ્રાય રનની સંપૂર્ણ પ્રક્રિયા અને વેક્સીનેશનની પારદર્શિતા અને અસરકારક દેખરેખ માટે ઓનલાઇન પ્લેટફોર્મના ઉપયોગ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. આ સિવાય Co-WIN પ્લેટફોર્મને વધુ સુધારવાના સૂચનો પણ નોંધવામાં આવ્યા છે.
-દેવાંશી
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

